Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ASIનું જુનાગઢના ખોરાસા ડેમમાં ડૂબી જતાં મોત, અનેક દિલધડક ઓપરેશમાં રહી છે મહત્વની ભૂમિકા

પોતાના જીવની ચિંતા કર્યા વગર ખુંખાર આરોપી સામે બાથ ભીડી લેનાર ASI પરેશ ચાવડા એક બહાદુર અધિકારી તરીકેની છાપ હતી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ASIનું જુનાગઢના ખોરાસા ડેમમાં ડૂબી જતાં મોત, અનેક દિલધડક ઓપરેશમાં રહી છે મહત્વની ભૂમિકા
X

2016ની બેચના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પરેશ ચાવડા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા.જન્માષ્ટમીનો તહેવાર હોવાના કારણે પોતાના પરિવાર સાથે જન્માષ્ટમી ઉજવવા જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે આવેલા ખોરસાઆહીર ગામે ગયા હતા. જ્યાં તેમણે શનિવારના રોજ પોતાના મિત્રો સાથે ખોરાસા ડેમમાં નહાવા ગયા હતા. આ ડેમમાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમના મિત્રોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો,

પરંતુ તેમને જ્યારે બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમનો જીવ બચાવવામાં નિષ્ફળતા મળી હતી.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માં ફરજ બજાવતા ASI પરેશ ચાવડા ના કામથી સિનિયર અધિકારીઓ પણ પ્રભાવિત હતા. પોતાના જીવની ચિંતા કર્યા વગર ખુંખાર આરોપી સામે બાથ ભીડી લેનાર ASI પરેશ ચાવડા એક બહાદુર અધિકારી તરીકેની છાપ હતી. હાલમાં તેઓ દાણીલીમડા પોલીસ લાઇન ખાતે પત્ની અને ચાર વર્ષના પુત્ર પૃથ્વી સાથે રહેતા હતા.

ક્રાઇમ બ્રાન્ચની નોકરીની સતત વ્યસ્તતા વચ્ચે પણ પરેશ ચાવડા સતત કસરત અને રનિંગ કરતા હતા. પોતાની જેમ તેમનો દીકરો પણ શસક્ત રહે તે માટે નાનકડા દીકરા પૃથ્વીને પણ બગીચામાં પોતાની સાથે કસરત કરવા લઈ જતા હતા. બે દિવસની રજા લઈ પોતાના ગામ ગયેલા પરેશ ચાવડા પાછા આવે તે પહેલા તેમના મૃત્યુના સમાચાર આવતા ક્રાઇમ બ્રાન્ચમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

હાલમાં પરેશ ચાવડા ઇન્સ્પેક્ટર સંજય દેસાઈના સ્ક્વોડમાં ફરજ બજાવતા હતા.27 વર્ષીય પરેશ ચાવડા વિવિધ ઓપરેશનોમાં કરેલ નોંધપાત્ર કામગીરીને લઈ હાલમાં જ 15મી ઓગસ્ટના રોજ અમદાવાદ પોલીસ કમિશનરે તેમને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કર્યા હતા.

Next Story