અમદાવાદ:ફાયર NOC વિનાની 72 હાઇરાઇઝ બિલ્ડિંગોને નોટિસ, વીજળી-પાણી જોડાણ કપાશે

એએમસી અને ફાયર વિભાગ સફાળું જાગ્યું છે જેની પાસે એનઓસી નથી તેને નોટિસ ફટકારવામાં આવી રહી છે

New Update

ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ પછી શહેરમાં એએમસી દ્વારા વધુ 72 બિલ્ડિંગને ફાયર એનઓસી મુદ્દે નોટિસો આપવામાં આવી છે. એએમસી દ્વારા વારંવાર ટકોર કરવા છતાં પણ એનઓસી નહીં મેળવનાર હાઇરાઇઝ બિલ્ડિંગ સામે ફાયરબ્રિગેડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

એએમસી દ્વારા અગાઉ છેલ્લા 4 દિવસથી હાઇરાઇઝ બિલ્ડિંગ ને નોટિસ આપવામાં આવી છે. જેમાં 9 હાઇરાઇઝ બિલ્ડિંગ, 59 જેટલી મિક્સ હાઇરાઇઝ અને 4 કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગ મળીને મ્યુનિ. દ્વારા 72 બિલ્ડિંગને નોટિસ પાઠવી 3 દિવસમાં ફાયર એનઓસી માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વીજ પુરવઠો, પાણી પુરવઠા અને ગટર કનેકશન કાપવાની એએમસી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

બે દિવસ પહેલાં પણ એએમસી .એ 300થી વધુ બિલ્ડિંગોને નોટિસ પાઠવી હતી અને ફાયર એનઓસી લઈ લેવાની તાકીદ કરવામાં આવી છે શહેરમાં એનઓસી ના મુદ્દે હાઈકોર્ટે એએમસીને ફટકાર લગાવી હતી ત્યારબાદ એએમસી અને ફાયર વિભાગ સફાળું જાગ્યું છે જેની પાસે એનઓસી નથી તેને નોટિસ ફટકારવામાં આવી રહી છે