સાબરમતી નદી પરનો અતિવ્યસ્ત ગણાતો બ્રિજ
સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ અચાનક બેસી ગયો
તિરાડ પડતાં સુભાષબ્રિજને બંધ કરવામાં આવ્યો
5 દિવસ સુધી સુભાષબ્રિજ અવરજવર માટે બંધ
મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ કર્યું નિરીક્ષણ
અમદાવાદની સાબરમતી નદી પર આવેલ અતિવ્યસ્ત બ્રિજ એવા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી જઈ તિરાડ પડતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.
અમદાવાદના સૌથી વ્યસ્ત અને જૂના કોટ વિસ્તારમાં પ્રવેશવા માટેનું દ્વાર ગણાતા એવા સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી જવાના પગલે બ્રિજને અવરજવર માટે બંધ કરાયો છે. તા. 5 ડિસેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમે બોટમાં બેસીને નીચેથી સુભાષબ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું. આ સાથે જ બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોનથી તપાસ કરી. 5 દિવસ સુધી બંધ રહેનારા સુભાષબ્રિજ પરથી રોજ પસાર થનારા અંદાજિત 1 લાખ વાહનચાલકોને વૈકલ્પિક રસ્તા પરથી જવું પડશે. ડાયવર્ઝન હોવાના કારણે રાણીપ ડી માર્ટ અને પરીક્ષિતલાલ બ્રિજ અને વાડજ સર્કલ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. જેના કારણે ઓફિસ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુભાષબ્રિજનો ભાગ બેસી જવા પાછળનું કારણ બ્રિજ પર લોડ વધારે પડતો થયો હોવાનું જાણવા મળ્યું છે. લોડ વધારે થતાં બ્રિજ પર જે પિલ્લર આવેલા છે, તેના ઉપર જ તિરાડ પડી છે. તિરાડ પડવાથી આગળનો ભાગ બેસી ગયો છે. બ્રિજ બેસી જવાનું એક કારણ પણ તિરાડ હોવાનું જણાયું છે. બ્રિજનો ભાગ તિરાડ બાદ બેસી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સુભાષબ્રિજ ખાતે પહોંચ્યા હતા. તેઓએ તંત્ર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મોરબી અને ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ભાજપના સત્તાધીશો જાગ્યા નથી.