ભરૂચ : કંબોડીયા ગામે તબેલામાં ભીષણ આગ, 17 પશુઓ જીવતા ભુંજાયા

Update: 2021-01-10 10:52 GMT

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે રવિવારે બપોરના સમયે તબેલામાં ભીષણ આગ ફાટી નીકળતાં 17 જેટલા પશુઓ જીવતા ભુંજાય ગયાં છે. આગની ઘટના બની ત્યારે તબેલાં 28 જેટલાં પશુઓ હોવાનું જાણવા મળી રહયું હતું.

તમારા સ્ક્રીન પર દેખાઇ રહેલાં દ્રશ્યો નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના એક તબેલાંના છે જયાં કોઇ કારણોસર આગ ફાટી નીકળતાં 17 જેટલા પશુઓ જીવતાં ભુંજાય ગયાં હતાં… ખેડુતો હવે ખેતીની સાથે પશુપાલન કરતાં થયાં હોવાથી હવે તબેલાઓની સંખ્યા વધી છે. નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે એક રાખોલિયા પરિવારનો તબેલો આવેલો છે. જેમાં 28 જેટલા પશુઓ રાખવામાં આવ્યાં હતાં. તબેલામાં રહેલાં ભેંસ સહિતના પશુઓને પરિવારના સભ્યોની જેમ ઉછેર કરવામાં આવતો હતો.

રવિવારે બપોરના સમયે પશુ પાલક પરિવાર જમવા બેઠો હતો તે સમયે અચાનક તબેલામાં આગ લાગી હતી. આગને બુઝાવવા માટે પરિવારના સભ્યોએ દોડધામ કરી મુકી હતી પણ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં સ્થિતિ બેકાબુ બની હતી. પશુઓ બાંધેલી હોવાથી તેઓ જીવતી ભુંજાય ગઇ હતી. આગની કરૂણાંતિકામાં 17 જેટલા પશુઓના મોત થયાં હોવાની વિગતો સપાટી પર આવી છે. એક સાથે 17 પશુના મોતના પગલે પશુપાલકના માથે આભ તુટી પડયું છે. તબેલામાં શોર્ટ સરકીટના કારણે લાગેલી આગ ઘાસના કારણે ઝડપથી ફેલાય હતી.

નેત્રંગ તાલુકામાં આગની  ઘટનાઓ બની  રહી છે ત્યારે  વર્ષોથી ગ્રામજનો ફાયર સ્ટેશનની માંગણી કરી રહ્યા છે.. આગની ઘટનાઓમાં અંકલેશ્વરથી ફાયર ફાયટર્સ બોલાવવા પડતાં હોય છે. અંકલેશ્વરથી નેત્રંગ વચ્ચેનું અંતર કાપવામાં લાંબો સમય લાગતો હોવાથી આગમાં જાનહાનિ થતી હોય છે. વારંવારની રજુઆત છતાં ફાયર સ્ટેશન બનાવવામાં આંખ આડા કાન કરવામાં આવતાં હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.

Tags:    

Similar News