ભરૂચ : જિલ્લામાં ત્રણ કેન્દ્રો ખાતે કોરોના વેકસીનેશનનો પ્રારંભ, 300 આરોગ્ય કર્મીઓને અપાશે રસી

Update: 2021-01-16 09:35 GMT

કોરોના વાયરસની રસીને માન્યતા મળી ગયાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 16મી જાન્યુઆરી શનિવારના રોજથી દેશવ્યાપી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં શનિવારના રોજથી 3 રસીકરણ કેન્દ્રો ખાતેથી 300 જેટલા આરોગ્ય કર્મચારીઓને રસી મુકવાની કામગીરી ગાઇડલાઇનને અનુસરી શરૂ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં એપ્રિલ -2020માં કોરોના વાયરસનો પ્રથમ દર્દી મળી આવ્યાં બાદ અત્યાર સુધીમાં 3 હજાર જેટલા દર્દીઓ નોંધાય ચુકયાં છે. કેન્દ્ર સરકારે કરોનાની રસીના ઉપયોગની મંજુરી આપી દેતાં શનિવારના રોજથી દેશભરમાં રસીકરણ અભિયાનના શ્રીગણેશ થયાં છે. ભરૂચ જિલ્લામાં પ્રથમ તબકકામાં ત્રણ કેન્દ્રો ખાતે રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે આયોજીત સમારંભમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, કલેકટર ડૉ.એમ.ડી.મોડીયા, એસડીએમ એન.આર.પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, મેડીકલ કોલેજના ડીન ડી.બી.પંડયા અને સિવિલના સીડીએમઓ ડૉ. એસ.આર.પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં..

રાજય સરકાર તરફથી ભરૂચ જિલ્લા માટે કોવીશીલ્ડ રસી કે જેનું નિર્માણ પુનેની સીરમ ઇન્સટીટયુટ દ્વારા કરવામાં આવ્યું છે તેના 12 હજાર કરતાં વધારે ડોઝ ફાળવવામાં આવ્યાં છે. સરકારની ગાઇડલાઇન મુજબ રસીકરણ અભિયાનમાં પ્રથમ કોરોના વોરિયર્સ ગણાતાં આરોગ્ય કર્મચારીઓને આવરી લેવામાં આવ્યાં છે.ભરૂચમાં પ્રથમ ચરણ ભરૂચ સિવિલ હોસ્પિટલ, વાગરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા આમોદના માતરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની રસી મુકાવવા માટે પ્રથમ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યાં બાદ જે તે કેન્દ્ર ખાતે પહોંચવાનું હોય છે અને રસી મુકાવ્યાં બાદ 30 મિનિટ સુધી વેઇટીંગ રૂમમાં બેસવાનું હોય છે. જો રસીની કોઇ આડઅસર જોવા ન મળે તો તે વ્યકતિને ઘરે જવાની મંજુરી આપવામાં આવે છે. જો ઘરે જઇને તબિયત ખરાબ થાય તો 108 એમ્બયુલન્સને ફોન કરી સિવિલ હોસ્પિટલ ખાતે આવવાનું રહેશે..

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ દરમિયાન ઇન્ડીયન મેડીકલ એસો.ના પ્રમુખ ડૉ. દુષ્યંત વરીયા સહિત ડૉ. ભાવનાબેન શેઠ, ડૉ. વનરાજ મહિડા, ડૉ. ગૌતમ પટેલ તથા સિવિલના નર્સ રતનેશ્વરી મિત્રાએ પણ રસી લઇ અનુકરણીય કાર્ય કર્યું હતું.

ભરૂચ જિલ્લામાં કોરોના વેકસીનેશનના પ્રથમ તબકકામાં ત્રણ કેન્દ્રો ખાતે કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં કેન્દ્રોની સંખ્યામાં વધારો કરાશે. રાજય સરકારે જિલ્લામાં સાત કેન્દ્રોને મંજુરી આપી છે. કોરોના વાયરસના કહેર વચ્ચે રસીકરણ શરૂ થતાં લોકોમાં નવી આશાનો સંચાર થયો છે. પ્રથમ ડોઝ લેનારા લોકોને હવે 28 દીવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે.

Tags:    

Similar News