ભરૂચ: જિલ્લા પંચાયતની 34 બેઠકો પર 95 ઉમેદવારો મેદાનમાં, BTP-AIMIMના ગઠબંધને 20 ઉમેદવારો ઉતાર્યા

Update: 2021-02-17 07:19 GMT

ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર યોજાનાર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લા પંચાયતની 34 બેઠકો પર 95 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહયો છે ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો પર 95 ઉમેદવારો મેદાનમાં છે. ગત ટર્મમાં ભરૂચ જિલ્લા પંચાયતનું શાસન ભારતીય ટ્રાયબલ પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન પાસે હતું જો કે રાજસ્થાનના ડુંગરપુરમાં ભાજપ અને કોંગ્રેસે મળી બીટીપીને સત્તાથી દૂર રાખતા બીટીપીએ આ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી અસૂદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે ત્યારે આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે. BTP-AIMIMના ગઠબંધનના 20 ઉમેદવાર મેદાનમાં છે. બીટીપીએ ટ્રાયબલ વિસ્તારની બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા છે તો AIMIMએ મુસ્લિમ મતદારો ધરાવતી પાલેજ બેઠક પર એક ઉમેદવાર ઊભો રાખ્યો છે ત્યારે આ ચૂંટણીમાં ગઠબંધનને કેટલો ફાયદો થાય છે એ જોવાનું રહેશે.

આ તરફ ભાજપ અને કોંગ્રેસના 33-33 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપને પહેલેથી જ એક બેઠક બિન હરીફ મળી ગઈ છે. જિલ્લા પંચાયતની હાંસોટ-12 નંબરની બેઠક પર કોંગ્રેસનાં મહિલા ઉમેદવારે ફોર્મ પત ખેંચી લેતા ચૂંટણી પહેલા જ ભાજપનો એક બેઠક પર વિજય થયો છે .તો આમ આદમી પાર્ટીના 2 અને અપક્ષના 7 ઉમેદવારો મેદાનમાં છે.

Tags:    

Similar News