ભરૂચ : કરજણ બેઠકના કોંગી ઉમેદવાર કીરીટસિંહ જાડેજાને મોકલાવાય રહેલાં 25 લાખ રૂપિયાની રોકડ રકમ ઝડપાઇ

Update: 2020-10-28 08:04 GMT

વડોદરાની કરજણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કીરીટસિંહ જાડેજાને મોકલવામાં આવી રહેલાં 25 લાખ રૂપિયાની રોકડ રકમ ભરૂચ એલસીબીએ ઝડપી પાડતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આખી ઘટના પર જતાં પહેલાં થોડા ઉંડાણમાં ઉતરીએ તો રાજયસભાની ચુંટણી પહેલાં કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય ગયાં હતાં. કોંગ્રેસને રામરામ કર્યા બાદ ભાજપે પેટાચુંટણીમાં તેમને ઉમેદવાર બનાવ્યાં છે. કોંગ્રેસે પણ તેમની સામે ટકકર ઝીલવા માટે કીરીટસિંહ જાડેજાને ટીકીટ આપી જંગને રસપ્રદ બનાવી દીધો છે. ભાજપ કોઇ પણ ભોગે કરજણ બેઠક જીતવા માંગતું હોવાથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સહિતના નેતાઓનો કાફલો કરજણમાં ઉતારી દીધો છે. મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહયાં છે.

ચુંટણીના સમયે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો નાણાની થેલીઓ ખુલ્લી મુકી દેતાં હોય છે એ બાબત સ્વભાવિક અને જગજાણીતી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે સુરતથી એક કારમાં બે યુવાનો રોકડ રકમ લઇને પસાર થવાના છે. જેના આધારે મુલદ ટેકસ પ્લાઝા ખાતે વોચ ગોઠવી બ્રેઝા કારમાં પસાર થઇ રહેલાં દીપક ચૌહાણ અને રવિ મોકરીયાને ઝડપી લેવાયાં હતાં. તેમની પાસે રહેલી થેલીમાંથી 25 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. તેમણે આ રકમ સુરતના જયંતિ સોહગિયા પાસેથી લઇ કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કીરીટીસિંહ જાડેજાને આપવાની હોવાની કબુલાત કરી હતી.

ભરૂચ પોલીસે આ બાબતે વડોદરા કલેકટર અને સુરત પોલીસને જાણ કરી હતી. સુરત પોલીસની ક્રાઇમ બ્રાંચે સરથાણા વિસ્તારમાં આવેલી રિવેરા એન્ટાલન્સિસ નામના બિલ્ડરની ઓફીસમાં દરોડો પાડયાં હતાં. જેમાં પોલીસને 30.95 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ રોકડ રકમ કયાંથી આવી અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તેની તલસ્પર્શી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Tags:    

Similar News