ભરૂચ : મેઘરાજાની પ્રતિમાને વાઘા પહેરાવવાની શરૂઆત, જુઓ શું છે વિશેષતા

Update: 2020-07-31 10:19 GMT

ભરૂચના ભોઇવાડમાં સ્થાપિત કરવામાં આવેલી મેઘરાજાની પ્રતિમાને શણગારવા તથા નવા વાઘા પહેરાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુર્તિની વિશેષતા એ છે કે વર્ષોથી કોઇ પણ જાતના બિબા વગર બનાવવામાં આવતી હોવા છતાં મુર્તિ એક જ આકારમાં બને છે.

કોરોના વાયરસના કહેરના કારણે આ વર્ષે તહેવારોની ઉજવણી ભલે ફીકકી પડી હોય પણ શ્રધ્ધાળુઓની આસ્થા અને શ્રધ્ધામાં લેશમાત્રનો ફરક પડયો નથી. ભરૂચમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભોઇ સમાજે ભોઇવાડમાં મેઘરાજાની વિશાળ પ્રતિમાની સ્થાપના કરી છે. નર્મદા નદીના કિનારેથી કાળી માટીમાંથી આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. દિવાસાના દિવસે પ્રતિમાની સ્થાપના કર્યા બાદ રક્ષાબંધન સુધી પ્રતિમાના રંગરોગાન તથા શણગારવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

દેશમાં એક માત્ર ભરૂચમાં જ મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાય છે. છપ્પનીયા દુકાળ વખતે ભોઇ સમાજના લોકોએ મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી આખી રાત ભજન કિર્તન કર્યું હતું. સવાર સુધી પણ વરસાદ નહિ પડતાં તેમણે તલવારથી પ્રતિમા ખંડિત કરવાનું નકકી કર્યું હતું પણ પ્રતિમા ખંડિત થાય તે પહેલાં જ વરસાદ વરસ્યો હતો. ત્યારથી ભરૂચમાં મેઘરાજાનો ઉત્સવ ઉજવાતો આવે છે.

આ વર્ષે કોરોના વાયરસના કારણે મેઘરાજાનો મેળો ભરાય તેમ નથી પણ શ્રધ્ધાળુઓ સોશિયલ ડીસ્ટન્સ જાળવી ભોઇવાડમાં મેઘરાજાના દર્શન કરી શકશે. મેઘરાજાની પ્રતિમા ની વિશેષતા એ છે કે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજાની પ્રતિમા બનાવવામાં આવે છે પરંતુ તેમ છતાં મૂર્તિની મુખાકૃતિ દર વર્ષે એક સરખી જ રહે છે.

Similar News