ભરૂચ : પાલિકાના પાપે પ્રજા પરેશાન, લાલબજાર નજીક ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી…

ભરૂચ શહેરના લાલબજાર વિસ્તારની ખુલ્લી ગટરમાં રિક્ષા પલટી મારી જતા 5 જેટલા મુસાફરોને ઇજા પહોચી હતી

Update: 2022-04-03 12:02 GMT

ભરૂચ શહેરના લાલબજાર વિસ્તારની ખુલ્લી ગટરમાં રિક્ષા પલટી મારી જતા 5 જેટલા મુસાફરોને ઇજા પહોચી હતી, ત્યારે ભરૂચ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટ સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ નગરપાલિકા સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે. પંરતુ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. ભરૂચ શહેરના વોર્ડ નં. 10 અને 11ને જોડતા હેડ પોસ્ટ ઓફીસથી લાલબજાર વિસ્તારને જોડતા માર્ગ પર ખુલ્લી ગટર આવેલી છે. પરંતુ ભરૂચ નગરપાલિકા દ્વારા ગટર લાઈનની સફાઈ ન થતા કચરાઓના ઢગલાઓથી જામ થઈજતા 4થી 5 ફૂટ ઉંડી ગટરમાં પાણી ભરાઈ રહે છે. જેથી નજીકમાંથી પસાર થતો જાહેર માર્ગ ધોવાઈ જતો હોવાના કારણે માર્ગ સાંકડો બની રહ્યો છે. આ માર્ગ ઉપરથી એક સાથે 2 વાહનો પસાર થાય તો સીધો વાહન ચાલક ગટરમાં ખાબકી અકસ્માતનો ભોગ બની રહ્યો છે

ત્યારે આજરોજ મુસાફરો ભરેલી ઓટો રિક્ષા ખુલ્લી ગટર નજીકથી પસાર થઈ રહી હતી, તે દરમ્યાન રિક્ષાનું પાછળનું ટાયર ગટરની ઢાળ ઉપરથી સ્લીપ થઈ જતા રિક્ષા પલટી મારી ગટરમાં ખાબકી હતી. રિક્ષામાં સવાર મુસાફરોની ચીંચીયારીઓથી આજુબાજુના લોકો દોડી આવી મુસાફરોને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, ત્યારે ભરૂચ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટ સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે જ કચરાનો ઢગલો વાહનોમાં ભરી પાલિકામાં ઠાલવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Tags:    

Similar News