ભરૂચ : પૂર અસરગ્રસ્તોને વિશેષ સહાય આપવા કોંગ્રેસ પક્ષનું કલેક્ટર કચેરીએ અનશન, પોલીસે કરી અટકાયત...

ભરૂચમાં પૂરના પાણીએ વિનાશ વેરતા લોકોમાં સરકાર અને રાજકીય નેતાઓ સામે આક્રોશમાં જોવા મળી રહ્યો છે,

Update: 2023-09-22 09:57 GMT

ભરૂચમાં પૂરના પાણીએ વિનાશ વેરતા લોકોમાં સરકાર અને રાજકીય નેતાઓ સામે આક્રોશમાં જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના સભ્યોએ પણ લોકોની પડખે આવી સરકાર પાસે સ્પેશિયલ પેકેજ આપવાની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરીએ અનશન ઉપર બેઠા હતા. જોકે, પરવાનગી વગર વિરોધ કરતા કોંગી આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીએ ભરૂચ જિલ્લામાં તબાહી મચાવી દીધી છે. જેનાથી લોકોને કરોડોનું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે, આ પૂરગ્રસ્ત લોકો માટે સરકાર દ્વારા કોઈપણ પ્રકારના રાહત પેકેજ અથવા મદદ નહીં કરાઈ હોવાથી સ્થાનિકોમાં સરકાર વિરૂદ્ધ આક્રોશ ફાટ્યો છે. જેમાં સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો લોકોના રોષના ભોગ પણ બની રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવતા લોકોની પડખે આવી છે. કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલા સહિતના આગેવાનોએ નર્મદા નદીના જળમાં પુષ્પ અર્પણ કર્યા હતા. ત્યારબાદ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલા અનશન પર બેસતા તેઓની સાથે કોંગ્રેસ યુવા નેતા શેરખાન પઠાણ સહિતના અન્ય કોંગી કાર્યકરો પણ જોડાયા હતા. સંદિપ માંગરોલાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં માનવસર્જિત પૂરના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને મળીને અંદાજીત 5 હજાર કરોડનું નુકશાન થયું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. તેમ છતાંય સરકાર દ્વારા હજી સુધી આ અસરગ્રસ્તો માટે કોઈપણ પ્રકારનું રાહત પેકેજ જાહેર નથી કરાયું. જેથી સરકાર આ લોકો માટે તાત્કાલિક રાહત પેકેજ જાહેર નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ અનશન ચાલુ રાખશે. જોકે, કોંગેસ પાર્ટીએ અનશનની પરવાનગી માંગી હોવા છતાંય તેમને પરવાનગી નહીં મળતા એ’ ડિવિઝન પોલીસે કોંગ્રેસના તમામ કાર્યકરની અટકાયત કરી હતી. જોકે, અટકાયત વેળા એક સમયે પોલીસ અને કોંગી કાર્યકરોમાં ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Tags:    

Similar News