ભરૂચ : ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા ડહેલીના ગ્રામજનો મજબૂર, પુલના અભાવે તંત્ર પ્રત્યે રોષ

વાલિયા તાલુકાના ડહેલીના ગ્રામજનો ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમયાત્રાને લઈ જવા માટે મજબૂર બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

Update: 2022-08-06 10:55 GMT

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલીના ગ્રામજનો ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમયાત્રાને લઈ જવા માટે મજબૂર બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જોકે, અહી પુલનો અભાવ હોવાની તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

ભરૂચના વાલિયા તાલુકાના ડહેલીના ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવતો ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ડહેલી નજીકથી પસાર થતી નદી પર પુલના અભાવે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. દર ચોમાસામાં વરસતા વરસાદ વચ્ચે અને નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી ગ્રામજનો નનામી લઈને જવા માટે મજબૂર બન્યા છે. લોકોને કમરસમા પાણીમાંથી નનામી લઈ સામે પાર આવેલા સ્મશાન સુધી જવું પડે છે. ચોમાસા દરમિયાન કોઈપણ વ્યક્તિનું મોત થાય, ત્યારે ગ્રામજનો પર મુસીબત આવી પડે છે. ગતરોજ ગામમાં એક વ્યક્તિનું મોત થતાં નીકળેલી અંતિમયાત્રા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ હતી. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને ગ્રામજનોએ વારંવાર અહીના વિસ્તારમાં પુલ બનાવવા માટે રજૂઆત કરી છે. પરંતુ આજદિન સુધી ગ્રામજનોની રજૂઆતોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ મામલે ડહેલીના ગ્રામજનોમાં રોષ ફેલાયો છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે અહી પુલનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Tags:    

Similar News