ભરૂચઃ બે-ત્રણ દિવસથી ઘર હતું બંધ, ગણેશ ઉત્સવનો ફાળો લેવા જતાં સામે આવ્યું રહસ્ય

Update: 2018-09-08 09:08 GMT

નર્મદા એપાર્ટમેન્ટના એક રૂમમાંથી વૃદ્ધનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસ પહોંચી

ભરૂચના કોર્ટ રોડ પર આવેલા નર્મદા એપાર્ટમેન્ટના એક રૂમમાંથી વૃદ્ધનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. એકલા રહેતા વૃદ્ધનું બીમારીના કારણે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસે લગાવ્યું છે. લાશનો કબજો લઈ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના કોર્ટ રોડ પર આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં એકલવાયુ જીવન જીવતા અશ્વિનભાઈ રતિલાલભાઈ મહેતાનું ઘર છેલ્લા ઘણા દિવસથી બંધ હતું. બીજી તરફ સામે આવી રહેલા ગણેશ ઉત્સવને લઈને આયોજકો દ્વારા સોસાયટીમાં ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો હતો. તેવામાં યુવાનો અશ્વિનભાઈનાં ઘરે પહોંચતાં મૃત હાલમાં પડેલા નજરે પડ્યા હતા. વિકૃત હાલતમાં અશ્વિનભાઈની લાશ પડેલી જોઈ સ્થાનિક રહિશો એકઠા થઈ ગયા હતા.

આસપાસના રહીશોએ ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતા ભરૂચ એ ડિવિઝન પોલીસના કાફલાએ ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. જેમાં મૃત્યુ પામનાર અશ્વિનભાઈ રતિલાલ ભાઈ મહેતા કોઈ બીમારીના કારણે મૃત્યુ પામ્યા હોવાની પ્રાથમિક તબક્કે માહિતી જાણવા મળી રહી છે. જોકે પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News