અમદાવાદ : દાઉદ ઇબ્રાહીમના સાગરિત શરીફખાનનો સાગરિત બાબુ સોલંકી એટીએસના હાથે ઝડપાયો

Update: 2020-05-23 13:32 GMT

અમદાવાદ એટીએસની ટીમે અંડરવર્લ્ડના ડોન દાઉદ ઇબ્રાહીમના રાઇટ હેન્ડ ગણાતા શરીફખાનના સાગરિત બાબુ સોલંકીને અડાલજ વિસ્તારમાંથી ઝડપી પાડયો છે. એટીએસના હાથે ઝડપાયેલાં બાબુ સોલંકી સામે આર્મ્સ એકટ, ખંડણી માંગવી, લુંટ સહીતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયાં છે.

એટીએસના એસપી ( ઓપરેશન) દીપન ભદ્રનના માર્ગદર્શન અને સુચના હેઠળ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એટીએસમાંથી મળતી માહિતી અનુસાર ઉંઝા ખાતે આવેલી શેર બજારની પેઢીમાં કામ કરતાં પ્રજ્ઞેશ ઉર્ફે બગ્ગી કનુ પટેલે વર્ષ 1999થી 2006 સુધીના સમયગાળામાં અમદાવાદમાં રહેતાં તેમના ઓળખીતા નિલેશ શાહ અને જીગર ચોકસીને શેરનું વેચાણ કર્યું હતું. પરંતુ શેરના નાણા નહિ મળતાં પ્રજ્ઞેશે 10 કરોડ રૂપિયાની રકમ બંને પાસેથી કઢાવા માટે શરીફખાનના સાગરિત રાજુ ઉર્ફે બાબુ રતિલાલ સોલંકી ( રહે. વાલ્મીકીવાસ, ગામ : સિંહી તા: ઉંઝા)નો સંપર્ક કર્યો હતો. 10 કરોડ રૂપિયાની વસુલાત પર રાજુ ઉર્ફે બાબુ સોલંકીને 3 કરોડ રૂપિયા આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નિલેશ શાહ અને જીગર ચોકસીએ 10 કરોડ રૂપિયા પરત ન આપવા પડે તે માટે વહાબ ગેંગનો સંપર્ક કર્યો હતો.તેમણે વહાબ ગેંગ સાથે એક કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. આમ 10 કરોડ રૂપિયાના મામલામાં બે ગેંગ આમને સામને આવી ગઇ હતી. આ ગુનામાં પોલીસે આરોપી સાબીરમિયા સિપાઇ તથા જહાંગીર ઉર્ફે મહંમદ અતીકને હથિયારો સાથે ઝડપી લીધાં હતાં. આ ગુનામાં સંડોવાયેલો અને શરીફખાનનો સાગરિત રાજુ ઉર્ફે બાબુ સોલંકી મુંબઇ નાસી ગયો હતો. મુંબઇમાં તે બોડીગાર્ડનું કામ કરતો હતો. એટીએસના પીઆઇ સી.આર.જાદવ, એસ.એન.પરમાર, પીએસઆઇ કે.એમ.ભુવા, બી.એન.ચૌધરી, કે.એસ.પટેલ, કે.જે.રાઠોડ, એમ.બી.ગઢવી તથા એમ.એસ.સોની તથા તેમની ટીમે બાતમીના આધારે અડાલજ- મહેસાણા જવાના રસ્તા પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન આરોપી રાજુ ઉર્ફૈ બાબુ સોલંકીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી દાઉદ ઇબ્રાહીમના રાઇટ હેન્ડ ગણાતા શરીફખાન માટે કામ કરતો હતો. આરોપી સામે આર્મ્સ એકટ, ખંડણી માંગવી, લુંટ સહિતના અનેક ગંભીર ગુના નોંધાયેલાં છે.

આરોપી રાજુ ઉર્ફે બાબુ સોલંકી સામે નોંધાયેલાં ગુનાઓ :

- 2006માં આર્મ્સ એકટ અને ખંડણી માંગવાનો ગુનો

- 2006માં સુરતમાં 32 લાખ રૂપિયાની આંગડીયા પેઢીમાં લુંટ

- 1996માં મુંબઇમાં હત્યાનો ગુનો

- 2015માં સિધ્ધપુરમાં લુંટનો ગુનો

- 2019મા઼ નવરંગપુરામાં નકલી પોલીસ બની લુંટનો ગુનો

Tags:    

Similar News