ભરૂચ : ઝઘડીયાના પાણેથા પંથકમાં છેલ્લા 4 દિવસથી એગ્રીકલ્ચર વિજ પુરવઠો બંધ રહેતા ખેડૂતોમાં રોષ...

Update: 2023-06-07 13:46 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા પંથકના ગ્રામજનોએ રાજપારડી વિજ કંપનીમાં વારંવાર રજૂઆત કરી છે. તેમ છતા 4 દિવસથી એગ્રીકલ્ચર વિજ પુરવઠો બંધ રહેતા ખેડૂતોમાં રોષ હોવા મળી રહ્યો છે.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા પંથકના ખેડૂતોને પાછલા 4 દિવસથી એગ્રીકલ્ચર પાવર રાબેતા મુજબનો નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતુ કે, પાણેથા, ઇન્દોર, નાના વાસણા, નાવરા, ફિચવાડા તેમજ આજુબાજુના ગામોમાં પાછલા 4 દિવસથી એગ્રીકલ્ચર વિજ પુરવઠો બંધ છે, જેના પગલે ખેડૂતોને પારાવાર નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં મુખ્યત્વે કેળનો પાક વિપુલ પ્રમાણમાં લેવાય છે, ત્યારે હાલ કેળનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ પાછલા 4 દિવસોથી ખેતરોમાં વિજ પુરવઠો બંધ હોઇ કેળ સુકાઇ રહી છે. વળી હાલ કાળઝાળ ગરમી હોઇ જેથી ખેડૂતો સહિત ગામલોકોને વિજ પુરવઠા વગર ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજપારડી ખાતેની વિજ કંપનીના કાર્યાલય ખાતે વારંવાર રજૂઆત કરવા છતા હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી, ત્યારે રાજપારડી વિજ કચેરીના ડેપ્યુટી ઇજનેર સ્થળ તપાસ કરવા આવ્યા હતા, તે દરમિયાન ખેડૂતોએ રજૂઆત કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

Tags:    

Similar News