ડાંગ : મરચાંના પાકમાં ખોટ ખાધા બાદ, આંબા કલમમાં નફો રળીને બેઠો થયો ગોદડિયાનો સાહસિક ખેડૂત

આંબા કલમ તૈયાર કરીને, પોતાને થયેલી ખોટને સરભર કરી લઈ, ગોદડિયાનો યુવાન ખેડૂત અન્યો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે.

Update: 2022-05-05 14:04 GMT

કોરોનાના કપરા કાળમાં પાંચેક લાખના મરચાના પાકના કોઈ લેવાલ નહી મળતા મહેનત માથે પડી હોવા છતા, હૈયે હામ રાખીને ફરીથી પરિશ્રમ કરી, આંબા કલમ તૈયાર કરીને, પોતાને થયેલી ખોટને સરભર કરી લઈ, ગોદડિયાનો યુવાન ખેડૂત અન્યો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે. કોરોનાના વર્ષમાં એટલે કે, પ્રથમ લોકડાઉન વેળા પોતે તૈયાર કરેલી મરચીનો પાક કોઈ ખરીદવા તૈયાર ન હતુ.

જેને લઈને અંદાજે પાંચેક લાખની ખોટને કારણે, માથે હાથ દઈને બેઠેલા વઘઇ તાલુકાના ગોદડિયાના ખેડૂતને નવી રાહ ચીંધી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇએ અમૂલ્ય માર્ગદર્શન આપીને, તેને ફિનિક્સ પક્ષીની જેમ, રાખમાંથી પુનઃ બેઠો કર્યો છે. પોતાના ખેતરમાં માત્ર પાંચ ગુંઠા જેટલી મુઠ્ઠીભર જમીનમાં બારેક હજાર જેટલી મધમીઠી કેરીની વિવિધ જાતો હાફૂસ, કેસર, લંગડો, દશેરીની કલમો ઉછેરીને, એક કલમના રૂ.૭૦/- પ્રમાણે ૧૨ હજાર કલમનો કુલ રૂ.૮ લાખ ૪૦ હજારમાં સોદો પાકો કરીને, ગોદડિયાના યુવા ખેડૂત હસમુખ બાગુલે ખોટમાંથી બેઠા થવાનો સાહસિક માર્ગ પસંદ કર્યો છે.

પોતાની બાપિકી એક હેક્ટર-૧૫ આરે જમીન પૈકી માત્ર પાંચ ગુંઠામાં જ, દસ દસ માસથી આંબા કલમને ઉછેરીને લાખોનો નફો રળતા આ યુવાન ખેડૂત હસમુખ બાગુલે જણાવ્યુ હતુ કે, કોરોના કાળમાં હિંમત હાર્યા પછી, ફરી બેઠા થવું મુશ્કેલ હતું, ત્યારે જ વઘઇના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક હર્ષદ પ્રજાપતિ તથા તેમની ટીમે, નવિન અને સાહસિક આંબા કલમના ઉછેરની દિશા બતાવી. જેના થકી દશેક માસમાં જ ૧૨ હજાર આંબા કલમ તૈયાર કરીને, ખેતર બેઠા લેવાલ પણ મળી જતા, તેનામા નવો જોમ અને જુસ્સો આવ્યો છે.

તેને જોઈને અન્ય ખેડૂતો પણ નવતર ખેતી પાકો તરફ વળી રહ્યા છે, તેમ હસમુખ બાગુલે ગર્વ સાથે જણાવ્યુ હતુ. આંબા કલમ સિવાય જો તેણે પાંચ ગુંઠામાં મરચી, રીંગણ, ટામેટા જેવા ધરૂ તૈયાર કર્યા હોત તો માત્ર પાંચ-સાત હજારની જ આવક મેળવી શક્યો હોત, તેમ જણાવતા તેણે આંબા કલમ કરીને ૮ લાખ ઉપરાંતની આવક મેળવી છે, તેમ જણાવ્યુ હતું.

Tags:    

Similar News