જુનાગઢ : મહિલા પોલીસકર્મીના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો, દાહોદના 3 શખ્સોની ધરપકડ...

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામે મહિલા પોલીસકર્મીના માતા-પિતાની થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે.

Update: 2022-01-21 12:21 GMT

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામે મહિલા પોલીસકર્મીના માતા-પિતાની થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે. જેમાં દાહોદ જિલ્લાના 3 શખ્સોની લૂંટ કરેલ રોકડ રકમ અને દાગીના સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.

વંથલી તાલુકાના સેદરડા ગામમાં રાજા જીલડિયા અને તેમના પત્ની જીલુ જીલડિયાની લૂંટ કરવાના ઇરાદે હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મૃતક રાજા જીલડિયાના ખેતરમાં અગાઉ કામ કરતાં મજૂરોની જ સંડોવણી સામે આવતા ચકચાર મચી છે. પોલીસે મૃતક તથા આસપાસના ખેતરોમાં કામ કરી રહેલ અને અગાઉ કામ કરી ચુકેલા ખેત મજૂરો અંગે તપાસ કરી હતી. જેમાં મજૂર તરીકે કામ કરી ચૂકેલા પ્રેમચંદ કલારાની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તેને જામનગરના પીઠડીયા ગામેથી રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી હતી, ત્યારે પ્રેમચંદે તેની સાથે અર્જુન બારીયા, રાકેશ બારીયા અને મહેશ ભુરીયા નામના શખ્સોને સાથે રાખી ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી, ત્યારે મહિલા પોલીસકર્મીના માતા-પિતાની હત્યા અને લૂંટના મામલે પોલીસે દાહોદ જિલ્લાના 3 શખ્સોની લૂંટ કરેલ રોકડ રકમ અને દાગીના સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News