નવસારી : અમલસાડી ચીકુના સ્વાદ રસિયાઓને માવઠાએ આપ્યા માઠા સમાચાર..!

નવસારીના ચીકુ સામે અન્ય રાજ્યોના ચીકુ ફિકા, અમલસાડીના ચીકુની દેશભરમાં છે ખૂબ જ માંગ

Update: 2021-12-02 06:42 GMT

ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના ચીકુ મીઠા અને મધુરા હોવાના કારણે સમગ્ર દેશમાં આ ચીકુ ખૂબ વખણાય છે. આ સાથે જ અહીંના ચીકુની માંગ પણ અન્ય રાજ્યના ચીકુ કરતા ખૂબ વધી છે, ત્યારે અમલસાડી ચીકુના સ્વાદ રસિયાઓ માટે વરસાદી માવઠાએ માઠા સમાચાર આપ્યા છે. હાલ તો વરસી રહેલા કમોસમી વરસાદના કારણે જિલ્લાની ચીકુ મંડળીઓને બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

ગુજરાત સાથે દિલ્હી, પંજાબ તેમજ અન્ય રાજ્યોમાં નવસારી જિલ્લાના ચીકુ ટ્રેન અને વાહન મારફતે રોજેરોજ ઠલવાઇ રહ્યા છે. અહીંના ચીકુની સાઈઝ પણ અન્ય ચીકુથી મોટી અને સ્વાદમાં પણ મોટો ફરક આવતા અમલસાડી ચીકુ સૌની પ્રથમ પસંદ બન્યા છે. જોકે, કમોસમી માવઠું પાકને નુકશાન તો કરાવી રહ્યું છે, સાથે જ જિલ્લાની શાખ ધરાવતી ચીકુ મંડળીઓને પણ જ્યાં સુધી કમોસમી વરસાદ વર્ષે ત્યાં સુધી બંધ રાખવાની નોબત આવી છે. જેથી મંડળી સાથે સંકળાયેલા ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

જોકે, કમોસમી માવઠું ચીકુના ફળને વહેલું પકવી દેતું હોય છે. જેના કારણે ચીકુને બજારોમાં મૂકી શકાય તેમ નથી, ત્યારે માવઠાના કારણે મંડળી બંધ રાખવાનો નિર્ણય મંડળી સાથે ખેડૂતોને પણ ખોટનો સોદો કરાવશે. એક તરફ કોરોના તો બીજી તરફ વાવાઝોડું અને કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાંખી છે. ખાસ કરીને બાગાયતી વિસ્તાર ગણાતા એવા ગણદેવી તાલુકામાં બાગાયતી પાકોને નુકશાન થયું છે. જેથી કરીને હવે ખેડૂતો સરકાર પાસે મદદની આશ લગાવીને બેઠા છે, ત્યારે આ મામલે ખેડૂતો માટે સંવેદનશીલ સરકાર યોગ્ય પગલાં લેશે કે, કેમ એ યક્ષપ્રશ્ન બની ગયો છે.

Tags:    

Similar News