મંત્રીમંડળની રચના: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અનેક મંત્રીઓની ઓફિસ ખાલી કરાવાય, નવાજૂનીના એંધાણ

Update: 2021-09-15 06:15 GMT

સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ગુજરાતમાં આજે નવા મંત્રી મંડળની જાહેરાત થવાની છે અને જેમાં જૂના મંત્રીઓને પાણીચુ પકડાવીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે ગુજરાતના 4 દિગ્ગજ મંત્રીઓની ઓફિસ ખાલી કરાઈ રહી હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખીય છે કે, રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરી બહેન દવે, વાસણ આહીર તથા કુમાર કાનાણીની સ્વર્ણિમ સંકુલમાં રહેલી ઓફિસ ખાલી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. તો આ સાથે જ શિક્ષણ મંત્રી અને છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની પરીક્ષા મામલે ચર્ચામાં રહેલા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાની ઓફિસ પણ ખાલી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તો મંત્રી ઈશ્વર પરમારની પણ ઓફિસ ખાલી કરાઈ છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ગુજરાતના નવા મંત્રીમંડળમાં છેલ્લી ઘડીએ નો-રિપીટ થિયરી લાગુ થઈ શકે છે. જેમાં જૂના ચહેરાઓ રિપીટ ન થાય તેવી પૂરી શક્યતાઓ છે. તો નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. આ સાથે જ ધર્મેન્દ્ર સિંહ જાડેજા અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાજ્યની સરકારમાં અત્યાર સુધીમાં પાટીદારોનાં દિગ્ગજ નેતા નીતિન પટેલ નંબર બેની ભૂમિકામાં રહ્યા છે અને ડેપ્યુટી સીએમ પદ પર તેઓ હતા ત્યારે હવે મુખ્યમંત્રી જ પાટીદાર હોવાથી નીતિન પટેલનાં પદને આશંકા ઊભી થઈ છે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને પાટીદાર હોય તેવું રહ્યું નથી ત્યારે નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાનું પણ મંત્રીમંડળમાંથી પત્તું કપાઈ શકે છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર નીતિન પટેલનાં સ્થાને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવશે.

Tags:    

Similar News