નવસારીની યુવતીના આપઘાત કેસમાં રેલ્વે પોલીસે દુષ્કર્મ અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો

યુવતીએ તેની ડાયરીમાં લખ્યું હતું બે યુવાનોએ તેનું રીકશામાં અપહરણ કર્યું હતું અને બાદમાં નિર્જન સ્થળે લઇ જઇ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું

Update: 2021-11-17 10:57 GMT

નવસારીની વતની અને વડોદરાની ઓએસીસ સંસ્થામાં કામ કરતી યુવતીએ ગુજરાત કવીનના ડબ્બામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં લાંબી તપાસ બાદ આખરે રેલવે પોલીસે દુષ્કર્મ અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

મુળ નવસારીની અને વડોદરાની ઓએસીસ નામની સેવાભાવી સંસ્થામાં કામ કરતી યુવતીએ થોડા દિવસ પહેલાં વલસાડમાં ગુજરાત કવીન ટ્રેનના ડબ્બામાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કોઇ પણ યુવતી ટ્રેનના ડબ્બામાં આપઘાત કરે તેવો કિસ્સો જવલ્લેજ જોવા મળતો હોય છે. યુવતીના મૃતદેહ પાસેથી એક બેગ અને ડાયરી મળી આવી હતી. ડાયરીના ચાર પાનામાં યુવતીએ જે ઘટના વર્ણવી હતી તે વાંચીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યુવતીએ તેની ડાયરીમાં લખ્યું હતું બે યુવાનોએ તેનું રીકશામાં અપહરણ કર્યું હતું અને બાદમાં નિર્જન સ્થળે લઇ જઇ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. યુવતી સાથે તારીખ 29મી ઓકટોબરના રોજ મોડી સાંજે દુષ્કર્મની ઘટના બની હતી અને તેના માનસિક આઘાતમાં તેણે 3 નવેમ્બરના રોજ આપઘાત કરી લીધો હતો.

રેલવેના રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મૃતક યુવતી પાસેથી મળેલી ડાયરી અને ઘટનાની તારીખમાં વિરોધાભાસ હતો પણ પોલીસે વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં વિસ્તૃત તપાસ કરી હતી જેમાં એક વાત ફલિત થઇ હતી કે તારીખ 29મી ઓકટોબરના રોજ યુવતી જગદીશ ફરસાણની ગલીમાંથી પસાર થતી હતી ત્યારે તેને પાછળથી ધકકો મારીને પાડી દેવામાં આવી હતી ત્યારબાદ તેને વેકસીન ગ્રાઉન્ડની અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેના હાથ બાંધી દુષ્કર્મ કરાયું હતું. યુવતી ઘટના બાદ તેના ઘરે નવસારી ગઇ હતી અને ત્યાંથી સુરત અને બાદમાં વલસાડ જઇને આપઘાત કરી લીધો હતો. સુભાષ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત કવીન ટ્રેનના ડબ્બામાં યુવતી મોડીરાત સુધી બેસી રહી હતી અને બાદમાં આપઘાત કરી લીધો હતો. પોલીસની વિવિધ ટીમો આરોપીઓને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે. ટેકનીકલ સર્વેલન્સ, ઇલેકટ્રોનિક ડેટા, હયુમન ઇન્ટેલીજન્સ સહિતની મદદ લેવામાં આવી રહી છે. યુવતી સાથે દુષ્કર્મ કરી તેને આપઘાત કરવા મજબુર કરી દેનારા આરોપીઓ ટુંક સમયમાં પોલીસ સકંજામાં હશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Tags:    

Similar News