દિલ્હી : પોલીસના બળપ્રયોગ સામે તબીબોનો વિરોધ, દેશમાં આવતીકાલે તમામ આરોગ્ય સેવા બંધ રાખવાનું એલાન...

દિલ્હી પોલીસની કાર્યવાહીથી નારાજ ડોક્ટરોએ તમામ આરોગ્ય સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે,

Update: 2021-12-28 09:52 GMT

દિલ્હી પોલીસની કાર્યવાહીથી નારાજ ડોક્ટરોએ તમામ આરોગ્ય સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે, ત્યારે સમગ્ર દેશમાં આવતીકાલે તમામ આરોગ્ય સેવાઓ બંધ રાખવામા આવશે.

વર્ષ 2021માં NEET-PG કાઉન્સેલિંગના વિલંબ સામે દેશભરના ડોકટરોએ તેમનું આંદોલન ઉગ્ર બનાવ્યું છે. આગલા દિવસે દિલ્હીમાં મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરોએ પ્રદર્શન કર્યું હતું. આ દરમ્યાન રસ્તા પર પોલીસ અને ડોક્ટરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બન્ને પક્ષોનો દાવો છે કે, તેમની બાજુના ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ દળની કાર્યવાહીથી નારાજ ડોક્ટરોએ હવે તા. 29 ડિસેમ્બર એટલે કે, આવતીકાલે દેશભરની તમામ આરોગ્ય સેવાઓ સંપૂર્ણ બંધ રાખવાની હાકલ કરી છે.

દિલ્હીના આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ડોક્ટરો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA)એ કહ્યું કે, તા. 29 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી દેશભરમાં તમામ સ્વાસ્થ્ય સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. FAIMAએ કહ્યું છે કે, તેઓ દિલ્હી પોલીસના ક્રૂર વલણના વિરોધમાં આ હડતાલ કરી રહ્યા છે. આ પહેલા તેમના આંદોલનને વધુ ઉગ્ર બનાવતા રેસિડેન્ટ ડોક્ટરોએ સોમવારે રસ્તાઓ પર કૂચ કરી હતી. કેન્દ્રીય સંચાલિત ત્રણ હોસ્પિટલો-સફદરજંગ, આરએમએલ અને લેડી હાર્ડિંજ હોસ્પિટલો તેમજ દિલ્હીની કેટલીક સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સારવારને અસર થઈ છે. કારણ કે, ડોક્ટરોનું આંદોલન ચાલુ છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યું છે. એસોસિએશનના પ્રમુખ મનીષે દાવો કર્યો હતો કે, સોમવારે મોટી હોસ્પિટલોના નિવાસી ડોકટરોએ વિરોધમાં પ્રતીકાત્મક રીતે તેમના એપ્રોન (લેબ કોટ) પરત કર્યા હતા. તેમણે કહ્યું, "અમે મૌલાના આઝાદ મેડિકલ કોલેજ (MAMC) કેમ્પસથી સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે તે શરૂ કર્યું કે તરત જ સુરક્ષાકર્મીઓએ અમને આગળ વધતા અટકાવ્યા." મનીષે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પોલીસે અનેક ડોક્ટરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જેમાં પોલીસે કરેલા બળપ્રયોગમાં કેટલાક ડોક્ટરો ઘાયલ થયા હત. જોકે, થોડા સમય બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતાં તે પણ જણાવ્યું હતું.

Tags:    

Similar News