કચ્છ : ચોરી-લૂંટના બનાવોને અંજામ આપનાર 5 શખ્સોની પોલીસે કરી ધરપકડ, રૂ. 3 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત

Update: 2020-11-06 12:03 GMT

કચ્છ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના બનાવો વધવા પામ્યા છે, ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ અને મુંદ્રા પોલીસ દ્વારા 5 શખ્સોની ધરપકડ કરી આખેયાખી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછતાછ દરમ્યાન જુદીજુદી 9 ચોરી અને લૂંટના બનાવોની કબૂલાત કરી હતી.

તાજેતરમાં સપ્તાહ પૂર્વે મુંદ્રા તાલુકાના ભોરારા પાટિયા નજીક હાઈવે પર કોઈ અજાણ્યા ઈસમોએ ટ્રકચાલકને છરી વડે ઈજા પહોંચાડી લૂંટના બનાવને અંજામ આપ્યો હતો. જે વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા માટે મુંદરા પોલીસ અને એલસીબીની ટીમો બનાવાઈ હતી. તે દરમ્યાન લૂંટ કરનારા ઈસમોના વર્ણન જેવા શખ્સો ગાંધીધામના કાર્ગો ઝુપડામાં છુપાયા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમીવાળા સ્થળ પર જઈ વિશ્વજીતકુમાર ઉર્ફે રાજા વિષ્ણુઝા અને સૌરભ ઉર્ફે ઈન્દ્રજીત વિષ્ણુઝાની પૂછતાછ દરમ્યાન તેઓએ ભોરારા પાટિયા પાસે લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી, તેમજ આ સિવાય અન્ય કોઈ ચોરી-લૂંટને અંજામ આપ્યો છે કે, કેમ તેની પુછતાછ કરતા રાપરના ખાંડેકના મહેન્દ્ર ઉર્ફે મેદુ ભચુભાઈ ગોહિલ, માંખેલા મહેશ ઉર્ફે કચ્ચો વિશાભાઈ મકવાણા અને રાજેશ ઉર્ફે ડાયમંડ વિશાભાઈ મકવાણાનું નામ ખુલ્યું હતું.

જોકે રાપરના આ શખ્સોની ધરપકડ કરી આડેસર પોલીસને સોપવામાં આવ્યા છે. તો બિહારના ચોરબંધુઓને મુંદ્રા પોલીસને સોંપાયા છે. આ પાંચેય ચોર શખ્સોની ધરપકડ બાદ મુંદ્રા, ગાંધીધામ એ’ ડિવિઝન અને ગાંધીધામ બી’ ડિવિઝન પોલીસ મથકે થયેલી ફરિયાદોનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલી 2 છરી અને ચોરી કરેલ રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. લાંબા સમયથી પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વાહનોની ચોરી તેમજ ડ્રાઈવરો સાથે લૂંટના બનાવો વધ્યા હતા, ત્યારે પોલીસે સયુક્ત કામગીરી કરી તરખાટ મચાવતી ગેંગ ઝડપી પાડતા મહત્વની સફળતા મળવા પામી છે.

Tags:    

Similar News