પીએમ મોદીએ કરી મન કી બાત, સમજાવ્યું જળ સંચયનું મહત્વ

Update: 2021-02-28 08:31 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ થઈ મન કી બાત કરી હતી. જેમાં દેશવાસીઓને જળ સંચયનો સંદેશ આપ્યો છે. માઘ મેળાના પ્રારંભથી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતની શરૂઆત કરતા વડાપ્રધાન કહ્યું કે હવે ઉનાળાનો તાપ પણ જામશે જેથી જળ સંચય કરવા માટેનો આ યોગ્ય સમય છે. પીએમ મોદીના મતે જળ એ જ જીવન છે, આસ્થા અને વિકાસની ધારા છે. જળ એક પ્રકારે પારસથી પણ વધુ મૂલ્યવાન છે. જળ સંરક્ષણ માટે આપણે અત્યારથી પ્રયાસ કરવો જોઈએ. 22 માર્ચના વિશ્વ જળ દિવસ પણ છે.

માઘ મહિનામાં પવિત્ર જળાશયમાં સ્નાન કરવાનો મહિમા અનેરો છે. પીએમ મોદીએ જણાવ્યું કે દુનિયાના દરેક સમાજમાં સદી સાથે જોડાયેલી કોઈને કોઈ પરંપરા હોય છે. નદી તટ પર સભ્યતાઓ પણ વિકાસ પામી છે. આપણી સંસ્કૃતિ હજારો વર્ષો જૂની છે અને એટલા માટે જ નદીને પવિત્ર ગણી તેમાં સ્નાનનું અનોખું મહત્વ રહેલું છે.

સંત રવિદાસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને ઉમેર્યું કે, યુવાનો કોઈપણ કામ કરવા માટે જૂની ઢબમાં બંધાયેલા ના રહે. પ્રવર્તમાન સમયમાં પણ સંત રવિદાસજીના શબ્દો, તેમનું જ્ઞાન આપણું પથદર્શન કરે છે. સંત રવિદાસજીએ કહ્યું હતું કે આપણે બધા એક જ માટીના વાસણ છીએ, આપણને બધાને એક જ વ્યક્તિએ રચ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આ મારું સદભાગ્ય છે કે હું સંત રવિદાસજીના જન્મસ્થળ વારાણસી સાથે જોડાયેલો છું. મહાન સંતના જીવનની આધ્યાત્મિક ઉંચાઈઓ તેમજ તેમની ઉર્જાનો અનુભવમ મે તે પવિત્ર તીર્થ સ્થળે કર્યો છે.

વડાપ્રધાને રેડિયો કાર્યક્રમમાં સંસ્કૃતમાં બે ઓડિયો ક્લિપ પણ સંભળાવી હતી. એક ઓડિયો ક્લિપમાં સંસ્કૃતમાં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે જણાવવામાં આવ્યું હતું. બીજી ઓડિયો ક્લિપમાં સંસ્કૃતમાં ક્રિકેટ કોમેન્ટરી કરવામાં આવી હતી. પીએમએ ક્રિકેટ ઉપરાંત અન્ય રમતની પણ સંસ્કૃત કોમેન્ટ્રી શરૂ થવા પર ભાર આપ્યો હતો. આ માટે તેમણે રમત મંત્રાલય અને ખાનગી ભાગીદારી માટે પણ સુચન કર્યું હતું.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, આ દિવસ ડો. સી વી રમન દ્વારા રમન પ્રભાવની શોધ માટે સમર્પિત છે. આપણા યુવાઓને ભારતીય વિજ્ઞાનીઓ વિશે વાંચન કરવું જોઈએ અને ભારતીય વિજ્ઞાનના ઈતિહાસને સમજવું જોઈએ. આત્મનિર્ભર ભારતમાં વિજ્ઞાનનું ઘણું યોગદાન છે. વિજ્ઞાનને આપણે લેબ ટૂ લેન્ડના મંત્ર સાથે આગળ લઈ જવાની જરૂર છે. ઉદાહરણ તરપીકે લદ્દાખના ઉર્જૈન ફુંટસોગ નવી ટેક્નોલોજી સાથે કામ કરી રહ્યા છે અને ઋતુચક્ર મુજબ 20 જુદા જુદા પાક લેવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી સમયમાં પરીક્ષાઓ યોજાવાની હોવાથી પીએમ મોદીએ વિદ્યાર્થીઓનું મનોબળ પણ વધાર્યું હતું. શિક્ષકો અને વિદ્યાર્થીઓને mygov પોર્ટલ પર સંપર્ક કરવાની સલાહ આપી અને કહ્યું કે ત્યાં પરીક્ષા માટેની ટિપ્સ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ તેનો લાત્ર લેવો જોઈએ.

કોરોનાનું સંક્રમણ દેશમાં ફરી માથું ઊંચકી રહ્યું હોવાથી વડાપ્રધાને લોકોને સતર્ક રહેવા અપીલ કરી હતી. પરીક્ષા હોય કે તહેવાર હોય દરેક સ્થળે તકેદારી રાખવા પીએમએ લોકોને અપીલ કરી હતી.

Tags:    

Similar News