સુરત : પુરપાટ ઝડપે દોડતી બ્લુ સિટી બસમાંથી પટકાતાં યુવકનું મોત, બસ ચાલક સ્થળ પરથી ફરાર
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશન રોડ પર બ્લુ સિટી બસમાંથી યુવક ઉતારવા ગયો હતો. જેમાં બસની અડફેટે આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર ચલાવવામાં આવતી બ્લુ સિટી બસ મહિધરપુરા-રેલ્વે સ્ટેશન રોડ પરથી પસાર થતી હતી. તે દરમ્યાન બસમાં મુસાફરી કરતો યુવાન ચાલુ બસે ઉતારવા જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાન બસના પૈડાં નીચે આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના બાદ બસનો ચાલક સ્થળ પર જ બસ મૂકીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે મહિધરપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી બસ ચાલકની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી હતી.