સુરત : ક્રાઇમ બ્રાન્ચના દિલધડક ઓપરેશન બાદ સિકલીગર ગેંગના 4 કુખ્યાત સાગરીતો મહામહેનતે હાથ લાગ્યા

સિકલીગર ગેંગના 4 સાગરીતોને આખરે પોલીસે ઝડપ્યા, કુખ્યાતોની કાર આવતાં જ પોલીસ દંડા લઈને તૂટી પડી

Update: 2022-06-28 13:14 GMT

સુરત શહેર તથા જિલ્લામાં સિકલીગર ગેંગનો ખૂબ જ આતંક જોવા મળે છે. પોલીસને ચોક્કસ માહિતી ન મળે ત્યાં સુધી તેઓ હાથે લાગતા નથી. અનેક વખત પોલીસને પણ ચકમો આપીને ફરાર થવામાં સિકલીગર ગેંગ સફળ થઈ જાય છે. જોકે, આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે બારડોલી નજીક ઓપરેશન કર્યું હતું, જેમાં દાસ્તાન ફાટક નજીકથી સિકલીગર ગેંગના 4 કુખ્યાત સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બાતમીના આધારે રોડ પર જ વોચ ગોઠવી હતી, ત્યારે ઈકો કારમાં આરોપીઓ આવતાં જ દંડાઓ લઈને 12 જેટલા પોલીસકર્મી તૂટી પડ્યા હતા, છતાં સિકલીગર ગેંગે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

અંતે મહામહેનતે 4 આરોપીઓને રૂપિયા 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી જારનેલસિંગ ટાંક, લખનસિંગ બાવરી, જાગીરસિંગ ટાંક અને પ્રદીપસિંગ બાવરી સામે 33 જેટલા ગુના નોંધાયેલા છે. આ ગેંગ સુરત શહેર અને રાજ્યના અલગ અલગ જિલ્લામાં ઇકો કારની ચોરી કરતી હતી, અને ચોરેલી ઇકો કારમાં આ આરોપીઓ અલગ અલગ જગ્યા પર જઈને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરાતા આરોપીઓએ 15થી વધુ ગુના આચર્યા હોવાની કબુલાત આપી છે. ઉપરાંત આ ગેંગ પાસેથી રાંદેરમાંથી ચોરી કરેલ સોના-ચાંદી સહિત રૂ. 4.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News