સુરત : સામાન્ય બાબતે દેવર્ષિ શાળાના શિક્ષકે વિદ્યાર્થીને સ્ટીલના પાઈપથી ફટકાર્યો, વાલીઓમાં રોષ..

Update: 2022-06-28 10:26 GMT

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની એક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે, ત્યારે આ મામલે મોટી સંખ્યામાં વાલીઓ શાળા અને ત્યારબાદ પોલીસ મથકે રજૂઆત કરવા પહોચ્યા હતા.

સુરતના કામરેજ તાલુકે આવેલ ખોલવડ ગામની દેવર્ષિ આઈ.આઈ.એમ શાળામાં ગતરોજ ધોરણ 7માં અભ્યાસ કરતાં જૈમિન નામના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં મસ્તી કરી રહ્યા હતા, જેની ફરિયાદ અન્ય વિદ્યાર્થી દ્વારા શિક્ષકને કરાતા રોષે ભરાયેલા શિક્ષકે માર મારતાં વિદ્યાર્થીને પગના ભાગે ગંભીર ઈજા પહોચી હતી.

જોકે, વિદ્યાર્થીને માર મારવાની ગંભીર ઘટના બાદ પણ શાળા સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની જવાબદારી લેવા તૈયાર ન હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જેમાં શાળા સંચાલકોએ રજૂઆત કરવા પહોચેલા વાલીઓ સમક્ષ શિક્ષકને હાજર પણ કર્યો ન હતો. એટલું જ નહીં, વિદ્યાર્થીને સ્ટીલના પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો, જે શાળાના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, ત્યારે વાલીઓ દ્વારા પોલીસ મથકે પણ રજૂઆત કરવામાં આવી હતી.

સમગ્ર ઘટના બાદ શાળા સંચાલકોએ શિક્ષક વિરુદ્ધ કોઈપણ પગલાં ભર્યા ન હતા. આ સાથે જ શાળા સંચાલકોએ આ ગંભીર ઘટનાને સામાન્ય ગણાવી હતી. બે વિદ્યાર્થીઓની લડાઈ બાદ એક વિદ્યાર્થીએ ફરિયાદ કરતા શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું શાળા સંચાલકોએ જણાવી લૂલો બચાવ કર્યો હતો.

Tags:    

Similar News