વડોદરા : હરણી તળાવ દુર્ઘટનાનું આરોપી મેનેજરને સાથે રાખીને “રિકન્સ્ટ્રક્શન” કરાયું...

હરણી બોટ દુર્ઘટનાના કારણે 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આ મામલાની વધુ તપાસ માટે ઉચ્ચ અધિકારીઓએ આરોપી મેનેજરને સાથે રાખીને સ્થળ પર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું

Update: 2024-01-21 09:29 GMT

વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના કારણે 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આ મામલાની વધુ તપાસ માટે ઉચ્ચ અધિકારીઓએ આરોપી મેનેજરને સાથે રાખીને સ્થળ પર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમની SITની ટીમ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.

વડોદરાના હરણી દુર્ઘટના મામલે હાલ તપાસનો ધમધમાટ ચાલ્યો છે. વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોર, DCP પન્ના મોમાયા, ક્રાઈમ બ્રાન્ચ ACP હરપાલસિંહ રાઠોડ અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જ્યાં ઘટના સ્થળે આરોપીની પૂછપરછ સાથે પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. બોટ, પ્લેટફોર્મ અને આસપાસના તમામ વિસ્તારો ચેક કરવામાં આવી રહ્યાં છે. આરોપીને બોટમાં બેસાડી સમગ્ર ઘટનાનું વર્ણન કરાવ્યું અને સાથે જ બોટ ઓપરેટ અંગેની તમામ બાબતેની નોંધ કરવામાં આવી હતી. બોટ પર બેસવા માટે જવાનું પ્લેટફોર્મ મેજર પટ્ટીથી માપવામાં આવ્યું હતું. બોટમાં કેટલા લોકોને બેસાડી શકવાની ક્ષમતા છે? કઈ બોટનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવતો હતો? કેવી રીતે પ્રવાસીઓને લઇ જવાતા હતા? કેટલી બોટ ચાલુ છે? કેટલી બોટ બંધ છે? કેટલી બોટની કન્ડિશન સારી કે, ખરાબ છે. આ તમામ પાસા તપાસવામાં આવી રહ્યા છે. આ અંગે DEOએ જણાવ્યું હતું કે, હાલ હરણી બોટ દુર્ઘટના મામલે શાળાને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં 7 દિવસમાં આ પ્રવાસ પૂર્વે શા માટે મંજૂરી ન મેળવી? તે અંગેનો ખુલાસો આપવા માટે જણાવ્યું હતું. આ નોટિસના જવાબના આધારે શાળા પર આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવનાર છે.

Tags:    

Similar News