Connect Gujarat
Featured

અંકલેશ્વર : કોરોનાના વાવરમાં કેરીનો પાક ન વેચાયો, હવે વાવાઝોડુ વાળશે દાટ

અંકલેશ્વર : કોરોનાના વાવરમાં કેરીનો પાક ન વેચાયો, હવે વાવાઝોડુ વાળશે દાટ
X

કોરોના વાયરસના કારણે ખેતપેદાશોના વેચાણની ચિંતા દુર થઇ નથી તેવામાં અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાએ ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસાવી દીધી છે.

અંકલેશ્વર તાલુકાના ખેડૂતો કેરી, પરવળ સહિતના પાકોનું વાવેતર કરતાં આવ્યાં છે. ખાસ કરીને ઉનાળામાં અંકલેશ્વર તાલુકાની કેરીઓની દેશ તથા વિદેશમાં નિકાસ પણ થતી હોય છે. ચાલુ વર્ષે કોરોના વાયરસના કહેરના કારણે બે મહિનાથી લોકડાઉન ચાલી રહયું છે. લોકડાઉનના કારણે ખેડૂતો તેમની ખેત પેદાશોનું વેચાણ કરી શકયાં ન હતાં. ખેત પેદાશો નહિ વેચાતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કોરોના કહેરમાંથી ખેડૂતો ઉગરે તે પહેલાં હવે વાવાઝોડાનો ખતરો મંડરાય રહયો છે. કેરીનું વાવેતર કરતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં કેરીનો પાક વેચાયો નથી તેવામાં વાવાઝોડાના કારણે હવે આંબાઓ પરથી કેરીઓ ખરી જવાનો ભય સતાવી રહયો છે.

અંકલેશ્વર તાલુકામાં શાકભાજીમાં પરવળ અને ગીલોડા સહિતના પાકો ઉગાડવામાં આવે છે. પરવળ અને ગીલોડાના પાકના વેલા માટે લાકડામાંથી મંડપ તૈયાર કરવો પડતો હોય છે. રાજયના હવામાન વિભાગે 80 થી 100 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે તેવી જાહેરાત કરી હોવાથી પવનની સામે મંડપ ટકી શકશે કે કેમ તે પણ એક સવાલ છે. હાલ તો ખેડૂતો ભરૂચ જિલ્લામાં વાવાઝોડાની અસર નહિવત થાય તેવી પ્રાર્થના કરી રહયાં છે.

Next Story