Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : જિલ્લાના જળાશયોમાં માત્ર પીવાના પાણીનો જથ્થો, જગતનો તાત ચિંતામાં

અરવલ્લી : જિલ્લાના જળાશયોમાં માત્ર પીવાના પાણીનો જથ્થો, જગતનો તાત ચિંતામાં
X

અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ ન થતાં તંત્ર દ્વારા પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને સિંચાઈનું પાણી બંધ કરી દીધું છે, જેને કારણે ખેડૂતોને માથે આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ વર્તાઈ છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદે જે પ્રમાણે ધમાકેદાર એન્ટ્રી કરી હતી, ત્યારબાદ જાણે મેઘરાજા ફરી અલોપ થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. તેમાંય અરવલ્લી જિલ્લાના મુખ્ય ત્રણ જળાશય વાત્રક, માઝૂમ અને મેશ્વોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ હોય તેવું લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે જળાશયની સ્થિતિ અંગે તો, વાત્રક જળાશયમાં કુલ 16.50 ટકા, તો માજૂમમાં 32.59 ટકા જ્યારે મેશ્વોમાં 36 ટકા જેટલો જ પાણીનો જથ્થો બાકી રહ્યો છે. જળાશયોમાં પીવાના પાણીનો પુરતો જથ્થો તો છે, પણ સિંચાઈ માટેનો પાણી બિલકુલ ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

એક તરફ જળાશયો તળિયા ઝાટક થયા છે તો બીજી બાજુ ખેડૂતોનો પાક નાશ થવાની આરે આવી ગયો છે. જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખવ જરૂરી છે, જેના કારણે સિંચાઈનું પાણી આપી શકાતું નથી. સિંચાઈનું પાણી બંધ કરાતા, ખેડૂતોએ વાવેલી મગફળી, કપાસ તેમજ મકાઈ જેવા પાકો નાશ થવાની આરે આવી ગયા છે. ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ લાવીને મગફળી, કપાસ અને મકાઈ વાવી છે, ત્યારે ખેડૂતોએ હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

શરૂઆતમાં મેઘરાજા જાણે તોફાની બેટિંગ કરતા ખેડૂતો હરખના આંસુએ વાવાણી કરી દીધી, પણ હવે મેઘરાજાના રિસામણાથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે, ત્યારે ખેડૂત એક જ વિચાર કરીને બેઠો છે કે, વરસાદ ક્યારે આવશે.

Next Story