Connect Gujarat
સમાચાર

બનાસકાંઠા : પાલનપુરના મલાણા ગામ નજીકથી એક કરોડનો ચરસ પકડાયો, ATS ને મળી મોટી સફળતા

બનાસકાંઠા : પાલનપુરના મલાણા ગામ નજીકથી એક કરોડનો ચરસ પકડાયો, ATS ને મળી મોટી સફળતા
X

ગુજરાત ATSને માદક પદાર્થોને ઝડપી પાડવામાં એક મસમોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત એટીએસે બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા મલાણા નામના ગામ નજીકથી બાતમીના આધારે એક કરોડથી વધારે કિંમતનો ચરસ સહિત બે લોકોની ધરપકડ કરી લીધી છે.રાજ્યમાં 1 મહિનાથી એટીએસ અને અને એજન્સીઓ ડ્રગ્સના નેટવર્કને નેસ્તોનાબુદ કરવાની કોશિશ કરી રહી છે

રાજ્યમાં નશાના કારોબારને નેસ્તાનાબૂક કરવા ગુજરાત એટીએસ સતત પ્રયત્નશીલ છે. રાજ્યના યુવાધનને બર્બાદ કરનારા અસમાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃતિઓ કરનારાઓ ઉપર બાજ નજર રાખનાર એટીએસે એક વખત ફરીથી પોતાના રાજ્યાના યુવાધનને ચરસ જેવા ખતરનાક નશાથી બચાવીને તેમનું જીવન નર્ક જેવું બનતા બચાવી લીધું છે. ઉલ્લેખનિય છે કે, દેશ અને રાજ્યમાં લાખો યુવાઓ પોતાનું જીવન નશાને સમર્પિત કરી દઇને પોતાનું અને પોતાના પરિવારનું જીવન નર્ક બનાવી દે છે.

ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન જાદવ ને ગુપ્ત બાતમી મળી હતી કે, મુંબઈના બે ઈસમો લૂધિયાણા પંજાબથી વેગેનાર ગાડીમાં માદક પદાર્થ લઇને આવી રહ્યાં છે. તે બાતમીના આધારે એટીએસે બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા મલાણા ગામ નજીક ફિલ્ડીંગ ગોઠવી હતી. તે દરમિયાન કાર ત્યાં આવતા તરત જ તેને કોર્ડન કરીને ટીમે તપાસ કરતાં તેમાંથી એક થેલામાંથી માદક પદાર્થ મળી આવ્યા હતા. તે પદાર્થની તપાસ કરતાં ચરસ હોવાનું સામે આવ્યું હતું.એટીએસે ઝડપાયેલા મુંબઈના બે લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરતાં માલૂમ પડી હતી કે, તેઓ અમદાવાદ વટવામાં રહેતો અને મુંબઈનો રહેવાસી ઈમરાન નામના વ્યક્તિના કહેવા પર 50000 રૂપિયા લઇને ચરસ લેવા માટે મુંબઈ ગયા હોવાનું જણાવ્યું હતું. એટીએસે અમદાવાદમાં રહેતા ઈમરાનની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કરી દીધા છે.

રાજ્યમાં અમદાવાદ સહીત અનેક શહેરો ડ્રગ્સ માફિયાના નિશાને છે અને છેલ્લા 1 મહિનામાં અમદાવાદ સહીત રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં રેડ કરી આ નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. અનેક કીસ્સામાં કેરિયરની ધરપકડ કરવામાં આવી છે. તો મુખ્ય સુત્રધારોની ધરપકડ માટે તપાસ તેજ કરવામાં આવી છે.

Next Story