Connect Gujarat
Featured

ભરૂચ : સિમેન્ટ-સ્ટીલ ઉત્પાદક કંપની દ્વારા ભાવ વધારો કરાતા ક્રેડાઇનો વિરોધ, બાંધકામ પ્રવૃત્તિ બંધ રાખી જીલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન

ભરૂચ : સિમેન્ટ-સ્ટીલ ઉત્પાદક કંપની દ્વારા ભાવ વધારો કરાતા ક્રેડાઇનો વિરોધ, બાંધકામ પ્રવૃત્તિ બંધ રાખી જીલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન
X

સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા બાંધકામમાં વપરાતા સામાનમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં ક્રેડાઇના નેજા હેઠળ રાજ્યભરના બિલ્ડરોએ એક દિવસ માટે બાંધકામ પ્રવૃત્તિ બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે ભરૂચ જિલ્લાના બિલ્ડરોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ભરૂચ ક્રેડાઇના પ્રમુખ રોહિત ચદ્દરવાલા સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યોએ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, સિમેન્ટ અને સ્ટીલની કિંમતમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. બાંધકામ મટીરીયલ્સમાં થયેલ ભાવ વધારાના કારણે મકાનોની કિંમતમાં નાછુટકે ગુજરાતના ડેવલપર્સ દ્વારા યુનીટ કોસ્ટમાં 15થી 20%નો વધારો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા છેલ્લા કેટલાંક સમયથી છાસવારે ભાવમાં અસહ્ય વધારો કરી સમગ્ર બાંધકામ વ્યવસાયને બાનમાં લેવાની નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જેના પરિણામે રાજયમાં બાંધકામ વ્યવસાય વિષમ પરિસ્થિતિમાં મુકાયો છે. રીયલ એસ્ટેટ સેકટર ઉપર 250થી વધુ નાના મોટા ઉધોગો નિર્ભર રહેલા છે. 4 કરોડ સ્કીલ અને અનસ્કીલ વર્કર્સને રોજગારી પૂરી પાડતા રીયલ એસ્ટેટ સેક્ટર ભારતના અર્થતંત્રને વેગ આપવા માટે મોટા પાયે સહભાગી રહ્યું છે. તેવા સંજોગોમાં સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા ઈન્ફાસ્ટ્રકચર અને આવાસ નિર્માણ કાર્યો ઉપર રોક લગાવવાનો પ્રયાસ કરતા સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા ભાવ વધારવામાં આવ્યો છે, ત્યારે તેની સીધી અસર આ વ્યવસાય ઉપર નભતા કરોડો નાગરિકોના પરિવારો તેમજ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઇન્ડસ્ટ્રીઝને થઇ રહી છે, ત્યારે તેના વિરોધમાં ભરૂચ જિલ્લાના બિલ્ડરોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી આ મામલે નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી.

Next Story