Connect Gujarat
Featured

ભરૂચ : કચરાપેટીઓ કરી રહી છે પાલિકા સત્તાધીશોની ઇજજતનો "કચરો", જુઓ કેમ ઉભું થયું ગાયો સામે જોખમ

ભરૂચ : કચરાપેટીઓ કરી રહી છે પાલિકા સત્તાધીશોની ઇજજતનો કચરો, જુઓ કેમ ઉભું થયું ગાયો સામે જોખમ
X

ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે પણ ભરૂચમાં ખુલ્લી કચરાપેટીઓ ગૌમાતાઓના મોતનું કારણ બની શકે છે.

ભરૂચ શહેરને ચોખ્ખુ અને ચણાક રાખવા માટે પાલિકા વર્ષે દહાડે લાખો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે પણ કચરાપેટીઓ બાબતે નિષ્કાળજી સફાઇકર્મીઓની મહેનત અને સરકારે ખર્ચેલા નાણા પર પાણી ફેરવી રહી હોય તેમ લાગી રહયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો કચરાના વ્યવસ્થિત નિકાલ કરી શકે તે માટે કચરાપેટીઓ મુકવામાં આવી છે પણ તમે એક વાતની અવશ્ય નોંધ કરી હશે કે કચરાપેટીઓની આસપાસ ગાયો તથા અન્ય પશુઓનો જમાવડો થતો હોય છે. કચરાપેટીઓમાં નાંખેલા કચરાને પશુઓ ફંફોસી નાંખતા હોય છે પરિણામે કચરાપેટીની આસપાસ જ કચરાના ઢગ જોવા મળતાં હોય છે. કચરાપેટીઓ નિયમિત રીતે ઉઠાવવામાં આવતી ન હોવાથી તેમાંથી કચરો બહાર આવી જતો હોય છે. કચરાપેટીઓમાં પ્લાસ્ટિકની થેલીઓ મોટી માત્રામાં હોવાથી ગાય સહિતના પશુઓ પ્લાસ્ટિકની થેલીઓ આરોગી જતાં હોય છે. કોંગ્રેસના નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા જણાવી રહયાં છે કે, ભરૂચ નગરપાલિકાનું તંત્ર ધણી વગરના ઢોરની જેમ ચાલી રહયું છે.

પશુપાલકો તેમના ગાય સહિતના પાલતું પશુઓને ખોરાકની શોધ માટે રખડતાં મુકી દેતાં હોય છે. સાંપ્રત સમયમાં ગાયોને ચરવા માટેના ગૌચરોની સંખ્યા ઘટી રહી છે ત્યારે પશુઓ કચરાપેટીઓની આસપાસ અડીંગો જમાવી દેતાં હોય છે. ગાય સહિતના પશુઓ પ્લાસ્ટિકનો કચરો આરોગી જતાં હોય છે. પશુઓના પેટમાં પ્લાસ્ટિક એકત્ર થતાં તેમને આફરો ચઢે છે અને કોઇકવાર પશુઓ મોતને પણ ભેટતાં હોય છે.

ભરૂચ નગરપાલિકાની વાત કરવામાં આવે તો ભરૂચ શહેરમાં કચરાના એકત્રિકરણ માટે ડોર ટુ ડોર ગાર્બેજ સેવા ચાલી રહી છે. શહેરમાંથી રોજના 100 ટનથી વધારે કચરાનો માંડવા બુઝર્ગ ગામની સીમમાં આવેલી ડમ્પિંગ સાઇટ ખાતે નિકાલ કરવામાં આવે છે. શહેરીજનો તેમના કચરાનો યોગ્ય સ્થળે નિકાલ કરી શકે તે માટે કચરાપેટીઓ પણ મુકવામાં આવી છે પણ કચરાપેટીઓ નિયમિત ઉઠાવાતી ન હોવાથી કચરાપેટીની આસપાસ જ કચરાના ઢગ જામતાં હોય છે અને તે ગાય સહિતના પશુઓને મોતનું ઇજન આપી રહયાં છે. બીજી તરફ લોકો પણ કચરાનો પ્લાસ્ટિકની થેલીઓમાં કચરાપેટીમાં નિકાલ કરતાં હોય છે. સાંપ્રત સમયમાં પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવો હિતાવહ છે. જો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીશું તો પર્યાવરણની જાળવણીની સાથે નિર્દોષ પશુઓ ખાસ કરીને ગાય માતાને મોતના મુખમાં હોમાતા અટકાવી શકીશું. હવે સાંભળીએ ભરૂચના વોર્ડ નંબર 5માંથી ચુંટાયેલા ભાજપના નગરસેવક અમિત ચાવડા શું કહી રહયાં છે.

Next Story