Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નગરપાલિકાની સભામાં રસ્તાના મુદે ધમાસાણ, વિપક્ષ આકરા પાણીએ

ભરૂચ : નગરપાલિકાની સભામાં રસ્તાના મુદે ધમાસાણ, વિપક્ષ આકરા પાણીએ
X

ભરૂચ નગરપાલિકાની શુક્રવારના રોજ મળેલી સામાન્યસભા શહેરમાં ફોગિંગની કામગીરી, રસ્તાઓ સહિતના મુદે તોફાની બની હતી. વિપક્ષના સભ્યોએ રસ્તાઓનું સત્વરે રીપેરીંગ નહિ કરાઇ તો આંદોલનની ચીમકી આપી છે.

ભરૂચ નગરપાલિકાની શુક્રવારે સવારે સામાન્ય સભા મળી જેમાં વરસાદી સિઝનમાં શહેરની થયેલી હાલત તથા સ્વચ્છતા ને લઈને વિપક્ષના સભ્યો આક્રમક જણાયાં હતાં. વિપક્ષના સભ્યોએ રજૂઆત કરી હતી કે, ભરૂચ પાલિકામાં 11 વોર્ડ આવેલા છે જેમાં સત્તા પક્ષ દ્વારા માત્ર ગણતરીના વોર્ડને જ ગ્રાન્ટ ફાળવી અન્યને વિકાસથી વંચિત રાખવામાં આવે છે જેથી અન્યાયની રાજનિતી બંધ કરવા માંગ કરાઇ હતી.

બીજી તરફ ભરૂચ શહેરમાં માર્ગો વરસાદી સિઝનમાં અત્યંત ખખડધજ બની ગયાં છે અને આગામી સમયમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં લઈને ખરાબ રસ્તાના પગલે લોકોને અગવડતા મુદ્દે વિપક્ષ ભારે રોષ સાથે પ્રમુખને આડે હાથે લીધા હતા .પાલિકા દ્વારા સત્વરે રોડ રસ્તા નો ટેન્ડરીંગ કરી રીપેરીંગ કામ યુદ્ધના ધોરણે નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

શહેરમાં ફેલાઇ રહેલા રોગચાળાની વાત કરવામાં આવે તો વિપક્ષના સભ્યોના જણાવ્યા અનુસાર શહેરની બે લાખની વસ્તી સામે પાલિકા પાસે માત્ર 13 જેટલા ફોગિંગ મશીન છે. શહેરમાં તમામ વોર્ડમાં અંદાજે ૬૦ હજારથી વધારે મકાનો છે એક મશીનથી એક દિવસમાં ૩૦ થી ૪૦ મકાનો માં ફોગીગ કરી શકાય. હેલ્થ વિભાગ પાસે રહેલા ફોગીગ ના વાહનો ઘણી વખત બીજા કાર્ય માં ઉપયોગ કરવામાં આવે છે ..જેના કારણે સમયસર સોસાયટી વિસ્તારો અને વોર્ડમાં ફોગિગ ન થતાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. પાલિકા સત્તાધીશોની અણઆવડતના કારણે શહેરમાં વિવિધ રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

Next Story