/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/04135940/maxresdefault-42.jpg)
ભરૂચમાં જયાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરવામાં આવે છે તેવી સિવિલ હોસ્પિટલની કચરાપેટીમાંથી પીપીઇ કીટ મળી આવતાં અન્ય દર્દીઓ તેમજ તેમના સ્વજનોમાં ભય ફેલાયો છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1,500ને પાર કરી ગઇ છે તેમ છતાં લોકોમાં હજી જાગૃતિનો અભાવ અને તંત્રની બેદરકારી સામે આવી રહી છે. ભુતકાળમાં ભરૂચ શહેર તથા જિલ્લાના વિવિવ વિસ્તારોમાંથી પીપીઇ કીટ રઝળતી મળી આવવાના કિસ્સા નોંધાય ચુકયાં છે. કોરોનાના દર્દીઓની સારવાર કરતાં સ્ટાફને સલામતી માટે પીપીઇ કીટ આપવામાં આવે છે જયારે કેટલાય સંજોગોમાં દર્દીઓને પણ પીપીઇ કીટ આપવામાં આવે છે. ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે રાખવામાં આવેલી કચરાપેટીમાંથી પીપીઇ કીટ રઝળતી મળી આવતાં દર્દીઓ તથા તેમના સ્વજનોમાં ભય ફેલાયો છે. કોઇ દર્દીએ આ કીટ નાંખી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે. સિવિલ હોસ્પિટલ સત્તાધીશોએ પણ આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે કારણ કે આ રીતે પીપીઇ કીટનો જાહેરમાં નિકાલ કરી દેવાશે તો કોરોના વાયરસનું સંક્રમણ અટકવાના બદલે વધી શકે છે.