Connect Gujarat
ગુજરાત

ભરૂચ: STમાં ટિકિટ લેવાના ઝઘડામાં મુસાફરોએ ડ્રાઇવર કંડકટરને ફટકાર્યા

ભરૂચ: STમાં ટિકિટ લેવાના ઝઘડામાં મુસાફરોએ ડ્રાઇવર કંડકટરને ફટકાર્યા
X

ડ્રાઈવરને માથાના ભાગે લોખંડના પાઇપ મારી દેતા લોહીલુહાણ અવસ્થામાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા

વાગરા તાલુકાના લખાબાવા થી ભરૂચ વચ્ચે દોડતી એસ.ટી બસમાં મુસાફરી કરી રહેલા ચાર મુસાફરો પાસે ટીકીટની માંગણી કરતા ઉશ્કેરાયેલા માથાભારે ચારે મુસાફરોએ એસટી બસના ડ્રાઈવર-કન્ડક્ટરને મારમારતા ડ્રાઇવર, કંડકટર ગંભીર ઈજાઓને પગલે સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર વાગરા તાલુકાના લખાબાવા ગામ થી ભરૂચ તરફ આવતી એસટી બસ નંબર GJ-18-Y- 9660માં મુસાફરી કરી રહેલા બે મુસાફરો પાસે એસટી બસના કંડકટર દલસુખભાઈ ઉદેસિંહ ભાઈ ચૌહાણે બસમાં મુસાફરી કરી રહેલા બે યુવાનો પાસે ટિકિટના રૂપિયાની માંગણી કરતા તેઓ વચ્ચે તું-તું મેં-મેં થયા બાદ બંન્નેવ યુવાનો બસ માંથી ઉતરી ગયા હતા.

બાદમાં બંન્નેવ યુવાનો સાથે અન્ય બે મિત્રો બે મોટર સાયકલ ઉપર કુલ ચાર જણાએ ધસી આવી કુવાદાર અને જાગેશ્વર વચ્ચે એસટી બસને રોકી તેમાં લોખંડના તથા લાકડીના સપાટા સાથે ઘૂસી જઈ આ ચાર શખ્સોએ એસટી બસના ડ્રાઇવર રમેશભાઈ કનુભાઈ પગી અને કંડકટર દલસુખભાઈ ચૌહાણ ઉપર હુમલો કર્યો હતો.જેમાં બંન્નેવ જણાને ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જોકે હુમલાખોરોનો એસટી બસના ડ્રાઇવર તથા કંડકટર ઉપર અચાનક કરાયેલ જીવલેણ હુમલાને કારણે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્તોએ નોંધેલ મોટરસાયકલ નંબર જીજે ૧૬ સીએલ ૩૦૨૯ ના આધારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ મોટરસાયકલ નંબરના આધારે હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે.

Next Story