Connect Gujarat
Featured

ભરૂચ : કોરોનાના કહેર વચ્ચે આજે વર્ષ 2020નો અંતિમ દિવસ, નવા વર્ષમાં નવી આશાનો સંચાર

ભરૂચ : કોરોનાના કહેર વચ્ચે આજે વર્ષ 2020નો અંતિમ દિવસ, નવા વર્ષમાં નવી આશાનો સંચાર
X

કોરોના વાયરસના કહેર વચ્ચે 2020નું વર્ષ વિદાય લઇ રહયું છે અને આજે વર્ષનો અંતિમ દિવસ છે. કોરોના વાયરસની રસી શોધાયાનો દાવો ફાર્મા કંપનીઓ કરી રહી છે ત્યારે 2021નું વર્ષ નવી આશા અને ઉમંગ લઇને આવી રહયું છે.

2020નું વર્ષ ભારત સહિત સમગ્ર વિશ્વ માટે ખરાબ રહયું છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાય ચુકયો છે. કોરોનાથી લાખો લોકો મોતને ભેટી ચુકયાં છે જયારે લાખો સંક્રમિતો હજી સારવાર લઇ રહયાં છે. વર્ષ 2020નો આજે છેલ્લો દિવસ છે અને શુક્રવારે સવારનો સુરજ ઉગશે ત્યારે વર્ષ બદલાઇ ચુકયું હશે અને લોકોમાં નવી આશાનો સંચાર થશે. 2020ની વાત કરવામાં આવે તો માર્ચ મહિનાથી કોરોનોનો વાવર દેશમાં શરુ થયો હતો. ભરૂચ શહેરમાં પણ 8 એપ્રિલના રોજ કોરોના વાયરસનો પ્રથમ દર્દી મળી આવ્યાં બાદ વર્ષાંત સુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 3 હજારને પાર કરી ચુકી છે.

ગુજરાતમાં પહેલા તોફાનો સમયે લોકો કરફયુનો સામનો કરતાં હતાં પણ આ વર્ષે લોકોએ લોકડાઉન, અનલોકની સાથે નાઇટ કરફયુનો પણ અનુભવ કર્યો છે. માલેતુજારોથી માંડી શ્રમિકો માટે 2020નું વર્ષ હતભાગી રહયું છે. લોકડાઉનમાં ઘરે જતાં અનેક શ્રમજીવીઓએ પોતાના જીવ ગુમાવી દીધાં છે. કોરોના વાયરસની રસી શોધી કાઢવામાં આવી હોવાનો ફાર્મા કંપનીઓ દાવો કરી રહી છે. આવનારૂ 2021નું વર્ષ કોરોના વાયરસના કહેર વચ્ચે રસીની નવી આશા લઇને આવી રહયું છે. ભરૂચ જિલ્લામાં 2020માં ઔદ્યોગિક અકસ્માતો, નર્મદા નદીમાં પુર, હાઇવે પર ફરી ટ્રાફિકજામ, સાંસદ અહમદ પટેલનું નિધન સહિતની અનેક ઘટનાઓ બની છે. જુના વર્ષની નિરાશા ખંખેરી 2021ના વર્ષને ઉમંગભેર આવકારીએ. કોરોનાથી બચવા માટે માસ્ક ફરજિયાત પહેરીએ તથા હાથ સાબુથી વારંવાર ધોઇએ તો આપણે એક નાગરિક તરીકે આપણી ફરજ અદા કરી શકીશું. કનેકટ ગુજરાત પણ આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે…..

Next Story