Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દહેજના અંભેટા ગામે ઘર આંગણે રમતી 7 વર્ષીય બાળકીને સાપે ડંખી લેતા મોત...

ઝેરી સાપે તેને પગના ભાગે ડંખ મારી લેતા તેણીએ બૂમાબૂમ કરી હતી.

ભરૂચ : દહેજના અંભેટા ગામે ઘર આંગણે રમતી 7 વર્ષીય બાળકીને સાપે ડંખી લેતા મોત...
X

ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે વરસાદના પ્રારંભથી જ જમીનમાં રહેલા સરિસૃપો બહાર નીકળી રહ્યા છે. તેવામાં દહેજ પંથકના અંભેટા ગામે સાપે ડંખ મારતા 7 વર્ષિય બાળકીનું કરુણ મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં વરસાદી ઝાપટાઓ થઈ રહ્યા છે. વરસાદના કારણે જમીનમાં ઠંડક પસાર થતાં જમીનમાં રહેલા જીવ-જંતુઓ બહાર નીકળી રહ્યા છે, ત્યારે દહેજ પંથકના અંભેઠા ગામના પરમાર ફળીયામાં રહેતા સુનિલ સોલંકીની 7 વર્ષીય બાળકી ઘરની બહાર રમ્યા બાદ પોતાના ઘરમાં ફ્રીજ ખોલી પાણી પીવા ગઈ હતી. તે દરમ્યાન ઝેરી સાપે તેને પગના ભાગે ડંખ મારી લેતા તેણીએ બૂમાબૂમ કરી હતી.

સાપે ડંખ માર્યો હોવાની જાણ તેની માતાને કરતા માતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવી હતી. જોકે, ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરતા માતાના પગ તળેથી જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો. માતાના હૈયાફાટ રૂદનથી સિવિલ હોસ્પિટલમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. માતા પોતાની મૃત્યુ પામેલી માસૂમ બાળકીને વ્હાલ કરતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

Next Story