Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મકતમપુરમાં ડોર-ટુ-ડોર વાહનો પર કામ કરનાર શ્રમિકોના 15થી વધુ ઝૂંપડા ભડકે બળ્યા...

નગરપાલિકા અને ગ્રામ પંચાયતની હદમાં ડોર ટુ ડોર વાહનો પર કામ કરી ગુજરાન ચલાવતા શ્રમિકોના 15થી વધુ ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળી

X

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં નગરપાલિકા અને ગ્રામ પંચાયતની હદમાં ડોર ટુ ડોર વાહનો પર કામ કરી ગુજરાન ચલાવતા શ્રમિકોના 15થી વધુ ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળી હતી.

ભરૂચની પૂર્વ પટ્ટીએ આવેલ મકતમપુર ગામે બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલ નર્મદા બંગ્લોઝ સોસાયટી નજીક ઝાડેશ્વર ગામ તરફ જવાના માર્ગ ઉપર નગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં ડોર ટુ ડોર વાહનો પર ફરજ નિભાવતા શ્રમિકોના ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં 15થી વધુ ઝૂંપડાઓ ભસ્મીભૂત થતાં ઘરવખરી સહિત રોકડ ચલણી નોટો બળીને ખાખ થતાં શ્રમિકોને બેઘર થવા સાથે આર્થિક નુકશાન પણ વેઠવાનો વારો આવ્યો છે.

બનવાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, લાશ્કરો 20થી 25 મિનિટ બાદ સ્થળ પર પહોંચતા શ્રમિકોની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ હોવાના આક્ષેપો થયા હતા. ડોર ટુ ડોર વાહનો ઉપર મજૂરી કામ કરી પેટિયું રળી રહેલા શ્રમિકોએ રાતવાસો અને રસોઈ માટે ડેરા તંબુ તાણી ઝૂંપડપટ્ટીઓ ઊભી કરી હતી. જોકે, કોઈ કારણોસર આગ ફાટી નીકળતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 15થી વધુ ઝૂંપડા સળગી ઉઠ્યા હતા, ત્યારે હવે નિઃસહાય બનેલા શ્રમિકોને પાલિકા દ્વારા વળતર ચૂકવાય તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story