વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ભરૂચના જંબુસરમાં જંગી જનસભા સંબોધી હતી જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપ તરફથી ધૂંઆધાર પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી છે. PM નરેન્દ્ર મોદી છેલ્લા 3 દિવસથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમના પ્રવાસના અંતિમ દિવસે ભરૂચના જંબુસર ખાતે જનસભા સંબોધી હતી. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, સાંસદ મનસુખ વસાવા, જંબુસર બેઠકના ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામી, ભરૂચ બેઠકના રમેશ મિસ્ત્રી, વાગરા બેઠકના અરૂણસિંહ રણા, અંકલેશ્વર બેઠકના ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
પી.એમ.નરેન્દ્ર મોદીએ તેમના વક્તવ્યમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભરૂચમાં વાર તહેવારે હુલ્લડો થતા હતા એ બંધ થઈ ગયા અને કરફ્યુ હવે ભૂતકાળ બની ગયો છે. બે દશકમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી છે.
આદિવાસીઓ અંગે નિવેદન આપતા પી.એમ.નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં આદિવાસીઓ હોવા છતા તેમના કલ્યાણની કલ્પના કરવામાં આવી ન હતી. મને કોઈ કાર્યક્રમમાં આદિવાસી વસ્ત્રો પહેરાવે તો મજાક ઉડાવવામાં આવતી હતી પરંતુ ભાજપ સરકારે આદિવાસીઓના કલ્યાણનું કાર્ય કર્યું છે.આદિવાસી જનનાયક ભગવાન બિરસામુંડાનું નામ કોંગ્રેસે ભુલાવી દીધું હતું પરંતુ ભાજપે ભગવાન બિરસામુંડાને સાચું સન્માન આપ્યું છે.