Connect Gujarat
ગુજરાત

ભાવનગર: સૌથી ઓછી ઉંચાઇ ધરાવતા ડોકટર તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવતા ડૉ.ગણેશ બારૈયા

ભાવનગર: સૌથી ઓછી ઉંચાઇ ધરાવતા ડોકટર તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવતા ડૉ.ગણેશ બારૈયા
X

સમાજના ઉચ્ચ ઘડતરના પાયા સમાન ગુરૂ વગર બીજા કોઈજ વ્યવસાય શક્ય નથી. જ્ઞાન જ્યોતને અવિરત પ્રજ્વલિત રાખીને, સદંતર પોતે પણ શીખતા રહીને શિષ્યોના જીવન ઉદ્ધારમાં પોતાનું અસ્તિત્વ નિચોવતા ગુરૂઓ હોય છે ભારત દેશમાં આદી કાળથી ગુરૂ શિષ્ય ને સમાજ અને દુનિયામાં નામના કરવા નિસ્વાર્થ મહેનત કરે છે. તેવોજ એક બનાવ ભાવનગર માં બન્યો છે. એક ગુરૂએ પોતાના શિષ્ય ને ડોક્ટર બનાવા માટે દિવસ રાત એક કરી સફળતા મેળવી છે

ભાવનગરના તળાજા તાલુકાના ગોરખી ગામના સામાન્ય પરિવારના વામાન કદના ગણેશ બારૈયાએ સુપ્રિમ કોર્ટ સુધી કાનુની જંગ લડીને એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવવા માટે સફળતા મેળવી છે. ત્રણ ફૂટની ઉચાઈ ધરાવતા ગણેશ બારૈયાને એમ.બી.બી.એસ.માં પ્રવેશ માટે સરકારના ઈન્કાર બાદ ગણેશએ સરકારના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટે પણ પીટીશન ફગાવી દેતા તેણે સુપ્રિમ કોર્ટમા દાદ માંગી હતી. સુપ્રીમ કોર્ટે ગણેશ બારૈયાની તરફેણમાં ચુકાદો આપીને એમ.બી.બી.એસ.માં પ્રવેશ માટેના અંતરાયો દૂર કરી દિધા હતા.આ અંતરાયો દૂર થયા બાદ એમ.સી.આઈ. અને કેન્દ્ર સરકારે તેને દિવ્યાંગની સિટ પર ભાવનગરની મેડીકલ કોલેજમા એડમિશન ફાળવ્યુ હતું.

આર્થિક રીતે ખૂબ જ સામાન્ય પરિવારમાં ઉછરેલા ગણેશ બારૈયા સાત બહેનો અને બે ભાઇઓમાં આઠમા ક્રમે આવે છે. તેમના પિતા વિઠ્ઠલભાઇ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અભ્યાસમાં અતિ તેજસ્વી એવા ગણેશ બારૈયાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પૂર્ણ કર્યા બાદ તળાજા ખાતેની નીલકંઠ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. ગણેશે ધોરણ નવ થી જ ડોકટર બનવાના ધ્યેય સાથે ગાઢ મહેનતથી આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો. નીલકંઠ વિદ્યાલયના સંચાલકોએ પણ ગણેશનો જુસ્સો અને ધગશ જોઇ તેને વિનામૂલ્યે ભણાવવાનો સંકલ્પ કર્યો અને આમ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગણેશ ૮૭ ટકા સાથે ઉત્તિર્ણ થઇ ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં દિવ્યાંગ કોટામાં પ્રવેશ મેળવવા સક્ષમ બન્યા.

ગણેશ બારૈયાએ મુલાકાતમાં જણાવ્યું હતું કે હું ડોકટર બની ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માંગુ છું . દેશના તમામ દિવ્યાંગ ભાઇઓ બહેનોને જેના જીવનમાંથી પ્રેરણા મળે તેવા ગણેશ બારૈયા એમ.બી.બી.એસ પુર્ણ કરતાની સાથે જ સૌથી ઓછી ઉંચાઇ ધરાવતા ડોકટર તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ભાવનગર તેમજ મમતાના માદરે વતન અને સ્કૂલ નું નામ દુનિયા ભરમાં રોશન કર્યું છે. તેમજ ગણેશ બારૈયા ને અભ્યાસ માટે અને તેની જે ગગન ચુંબન ઇરાદા આપવા બદલ અને તેની સામે જે તલવારની ધાર જેવી સમસ્યાઓ માં લડવા અને તમામ આર્થિક રીતે મદદરૂપ બનનાર તેમની શાળા નિલકંઠ વિદ્યાપીઠ તળાજાના સંચાલકોનો ગણેશ બારૈયા અને તેમના પરિવારે હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો

Next Story