દાહોદ : દુધમતી નદીના નીર બન્યાં લાલ : અનેક જળચરોના થયા મોત

દાહોદ શહેરની મધ્યમાં આવેલી દુધીમતી નદીમાં લાલ કલરનું પાણી વહેતું થતા નગરજનોમાં તંત્રની કામગીરી સામે આક્રોશ જોવા મળ્યો હતો. નદીના પાણી પ્રદુષિત બની જતાં અનેક જળચરોના મોત પણ થયાં છે.
રાજયમાંથી હજી ચોમાસાએ સંપૂર્ણ વિદાય લીધી નથી ત્યારે દાહોદની દુધીમતી નદીમાં હજી વરસાદી પાણી જ વહી રહ્યુ છે ત્યારે દાહોદ આજે સવારે દુધમતી નદીમાં વહેતા પાણીનો રંગ અચાનક લાલ થઇ જતાં લોકો નદી કાંઠે દોડી આવ્યા હતાં. નદીમાં કેમીકલ યુક્ત પાણી છોડવાના કારણે દુધમતી નદીનુ નિર્મળ પાણી લાલ રંગનું થયુ હોવાનું લોકો માની રહ્યા છે.ત્યારે સ્થાનીક રહીશોએ દાહોદ નગર પાલિકાને જાણ કરવા છતા નગર પાલિકાના સત્તાધીશોએ નદીમાં ભળેલ લાલ કલરનું દુષીત પાણી ક્યાંથી આવી રહ્યુ છે તેની કોઈ તપાસ નહી કરતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.નદીના પાણી દુષિત બની જતાં માછલીઓ સહિત અનેક જળચરોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. ભારત સરકાર દ્વારા દાહોદ શહેરને સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અન્વયે જેમાં દુધીમતી નદીના પાણીમાં ભળતા અશુધ્ધ પાણીને ફિલ્ટર કરીને નદીમાં છોડવાની યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં નકકર કાર્યવાહી કરવામાં આવતી નહી હોવાનો આક્ષેપ લોકો કરી રહયાં છે.