રાજસ્થાનના ઉદયપુરના કન્હૈયાલાલ સાહુની હત્યા પર આધારિત ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ'નો વિરોધ શરુ થઈ ગયો છે.
મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિન્દ અને ઑલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલે મુંબઈ, ગુજરાત અને દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ સામે અરજી દાખલ કરી છે. બીજી બાજુ ફિલ્મના ડિરેક્ટરને જીવલેણ ધમકીઓ મળી રહી છે અને સોશિયલ મીડિયા પર 'સર તનસે જુદા' જેવા મેસેજ પણ મોકલવામાં આવી રહ્યા છે.
ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ કહ્યું, 'એક તરફ આ સંગઠનો કોર્ટ જઈ રહ્યા છે અને બીજી તરફ સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો અમને જીવલેણ ધમકીઓ આપી રહ્યા છે. ફિલ્મમાં કન્હૈયાલાલ સાહુની વાર્તા દર્શાવવામાં આવી છે. ફિલ્મ જેહાદી, કટ્ટરવાદી માનસિકતા અને આતંકવાદ સામે જરૂર છે પણ કોઈ ખાસ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચાડે તેવી નથી. ઉદયપુર ફાઇલ્સની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી પણ ફાઇલ કરી દીધી છે.'
ફિલ્મના ડિરેક્ટર ભારત એસ. શ્રીનેતે જણાવ્યું, 'સેન્સર બોર્ડે ફિલ્મના 130 સીન કટ કરાવ્યા છે અને બે મહિના પછી ફિલ્મને 'A' સર્ટિફિકેટ આપી પાસ કરી છે. કન્હૈયાલાલ સાહુની હત્યા કેમ અને કેવી રીતે થઈ? આવા લોકોની કઈ માનસિકતા હોય છે? આ બધું દેશવાસીઓને જાણવું જોઈએ. જે લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તેમને આ ફિલ્મ જરૂર જોવી જોઈએ, તેમની બધી ગેરસમજ દૂર થઈ જશે.'
હાલ પટણામાં બાગેશ્વર બાબાએ આ ફિલ્મનું સમર્થન કર્યું છે. કન્હૈયાલાલ સાહુનો પરિવાર પણ ફિલ્મના સમર્થનમાં છે. સાહુના પુત્ર યશ સાહુએ તેના નાના ભાઈ સાથે પટણા પહોંચીને ધીરેન્દ્ર શાસ્ત્રીની મુલાકાત લીધી હતી. યશનું કહેવું છે કે ‘દેશના ઘણાં લોકો મારા પિતાની હત્યાનું સત્ય જાણતા નથી. સત્ય સામે આવવું ખૂબ જ જરૂરી છે. અમને હજુ સુધી સંપૂર્ણ ન્યાય મળ્યો નથી.’
આ કેસ ત્રણ વર્ષ જૂનો છે. કન્હૈયાલાલ સાહુ દરજી હતા. બે ગ્રાહકો કપડાં સીવડાવવાના બહાને તેમની દુકાને આવ્યા હતા. આ દરમિયાન અચાનક બંને ગ્રાહકોએ તીક્ષ્ણ હથિયાર વડે કન્હૈયાલાલ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. હત્યારાઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ હત્યાકાંડથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો.
નોંધનીય છે કે, અમિત જાની અને એસ. શ્રીનેતે આ ઘટનાક્રમ પર આધારિત 'ઉદયપુર ફાઇલ્સ' નામથી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ 11 જુલાઈએ રિલીઝ થવાની છે, પરંતુ એ પહેલાં જ ફિલ્મ વિવાદમાં સપડાઈ છે.
CG Entertainment | The Kerala Story | The Kashmir Files | death threats