ગુજરાતમાં નવા મુખ્યમંત્રીના સસ્પેન્સ બાદ હવે નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. સિનિયર મંત્રીઓને પડતાં મુકવામાં આવે તેવી સંભાવના વચ્ચે ગતરોજ બળવાની સ્થિતિનું નિર્માણ થતાં શપથગ્રહણ સમારંભ મોકુફ રાખવામાં આવ્યો હતો. આજે ગુરૂવારે સવારથી શપથગ્રહણ સમારંભની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
નવા મંત્રીમંડળમાં જે ચહેરાઓની ચર્ચા ચાલી રહી છે તે લગભગ નવા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં કઇ નવું જ કરાવાનો નિર્ણય લીધો હતો. જેના ભાગરૂપે સૌ પ્રથમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્થાને ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયાં છે. રૂપાણી સરકારમાં રહેલાં મોટાભાગના સિનિયર મંત્રીઓને બદલવામાં આવ્યાં છે. ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓનો સમાવેશ કરી દેવાયો છે. રાજયમાં આગામી વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે ભાજપે આખું મંત્રીમંડળ બદલી નાંખી વિરોધપક્ષોની રણનિતિને બુઠી બનાવી દીધી છે. પાટીદાર સમાજ તેમના મુખ્યમંત્રીની માંગ કરતો હતો ત્યારે ભાજપે ચુંટણી પહેલાં જ ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી પાટીદાર સમાજને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ મંત્રીમંડળમાં નવા ચહેરાઓ સમાવીને જ્ઞાતિના સમીકરણો બેસાડવામાં આવ્યાં છે. ભાજપના મોવડીમંડળે એક સષ્પટ સંદેશ આપ્યો છે કે, કામ કરો અથવા ઘરે બેસો...