ગુજરાતમાં દેવ દિવાળીનો પ્રસંગ શોકમય સાબિત થયો છે,માર્ગ અકસ્માતમાં ભરૂચ,હાંસોટ તેમજ શામળાજી માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આઠ નિર્દોષ વ્યક્તિઓનો જીવન દીપ બુઝાઈ ગયો હતો.
જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના શેરા ગામ પાસે એક કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઈ હતી,અને કારમાં સવાર ત્રણ યુવાન મિત્રોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા,જ્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ભરૂચના આમોદ પાસે એક અર્ટિકા કાર આગળ ચાલતી ટ્રકની પાછળ ભટકાય હતી.
સર્જાયેલા અક્સમાતમાં કાર આગળથી સંપૂર્ણ ચિરાય ગઈ હતી,અને કારમાં સવાર એક મહિલા ગંભીર ઇજાને પગલે કરુણ મોતને ભેટી હતી,જ્યારે કારમાં સવાર અન્ય એક મહિલા સહિત ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વધુ એક ગોઝારો માર્ગ અકસ્માત શામળાજી માર્ગ પર સર્જાયો હતો.જેમાં જાણવા મળ્યા મુજબ શામળાજીથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં 4 લોકોના મોત થયા હતા.અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર પાસે અકસ્માત સર્જાયો હતો.જેમાં કાર હાઇવે પર આવેલા પુલ પરથી 35 ફૂટ નીચે ખાબકી હતી. જેથી કારમાં સવાર ચારેય લોકોના મોત થયા હતા.
જેમાં બે પુરૂષો, એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યા છે. અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ ગુજરાતમાં શુક્રવારનો દેવ દિવાળીનો પર્વ શોકમય બન્યો હતો,અને આઠ નિર્દોષ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.