ઓનલાઇન ગેમના ભરડામાં સપડાયો રિક્ષા ચાલક
રૂપિયા કમાવવાના ચક્કરમાં ગુમાવ્યો જીવ
ઓનલાઇન ગેમમાં દેવું વધી જતા કર્યો આપઘાત
રૂ.14 લાખના કર્જના આઘાતમાં કર્યો આપઘાત
પુત્ર-પુત્રી અને પત્નીના વિલાપે સૌને કર્યા શોકમગ્ન
બનાસકાંઠા જિલ્લામાં રિક્ષા ચાલાક યુવાન મોબાઈલમાં ઓનલાઇન ગેમના રવાડે ચઢી જતા આર્થિક બોજા હેઠળ દબાઈ ગયો હતો.અને આખરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.
બનાસકાંઠાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામે રહેતા મનુભાઈ પરમાર નામનો એક ગરીબ પરિવારનો દીકરો રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે હાથમાં રહેલા મોબાઈલમાં લોભામણી ગેમની જાહેરાત જોયા બાદ આ યુવક પણ પૈસા કમાવાની લ્હાયમાં ઓનલાઇન ગેમની મોહજાળમાં ફસાયો હતો,આજ કારણે આ યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ ગુમાવ્યો છે અને દોઢ વર્ષનો દીકરો,13 વર્ષની દીકરી સાથે માતા અને પત્નીના આંખમાં આંસુ છોડી ગયો છે.
મૃતક મનુભાઈ પરમારે પૈસા કમાવાના ચક્કરમાં ઓનલાઈન ગેમની લતે લાગ્યા અને આ જ કારણે પૈસા તો ન કમાઈ શક્યા પરંતુ પોતાની જીવનની મૂડી આ ગેમની મોહમાયામાં ગુમાવી દીધી એટલું જ નહીં એક બે લાખ નહીં પરંતુ 14 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. ગરીબ પરિવાર માટે આટલું મોટું દેવું ક્યારે પૂરી ન શકાય તેમ હતું અને આ જ આઘાતમાં રહેતા મનુભાઈએ આખરે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેએ જિલ્લાના નાગરિકોને સાયબર ફોર્ડથી સાવધાન રહેવા અપીલ કરી છે. હાલમાં ડિજિટલ એરેસ્ટ ઓનલાઈન ગેમ, એપીકે લીંક દ્વારા સાયબર ગઠિયાઓ લોકોને સાયબર ફોર્ડનો શિકાર બનાવતા હોય છે. ત્યારે આવા સમયે 1930 હેલ્પલાઈન નંબર પર તાત્કાલિક જાણ કરવા માટે પણ અપીલ કરી છે.