એસટી. બસની સલામત સવારીની ગંભીર બેદરકારી
આમોદમાં મહિલા મુસાફરને કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
બસમાં ચઢે તે પહેલા જ બસ ઉપાડી મુકતા અકસ્માત
મહિલાના હાથે અને પગે ઇજા પહોચતા સારવાર હેઠળ
એસટી. વિભાગ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો
ભરૂચ જિલ્લાના આમોદમાં સલામત સવારી એસટી. અમારીની ગંભીર બેદરકારી સામે આવી છે. આમોદમાં એસટી. બસમાં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફેક્ચર થઈ ગયો હતો. જેથી એસટી. તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
રાજ્યમાં ભલે એસ.ટી. તંત્ર મુસાફરોની સલામત સવારીની વાતો કરી મોટા મોટા સૂત્રો પોકારતી હોય. પરંતુ ભરૂચ જિલ્લાના આમોદમાંથી એસટી. તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આમોદ રેલવે સ્ટેશન નજીક રહેતા 50 વર્ષીય ચંપા વસાવા આમોદથી ભરૂચ જવા માટે નીકળ્યા હતા. તેઓ આમોદ ચોકડી પરથી ભરૂચ જતી એસટી. બસમાં ચઢવા જતા હતા, ત્યારે એસટી. બસના ચાલકે અચાનક બસ હંકારી દેતા મહિલા મુસાફરનો ડાબો હાથ બસના દરવાજામાં ફસાઈ ગયો હતો, અને તેઓ નીચે ફસડાઈ ગયા હતા. જેથી તેમનો ડાબો હાથ ફ્રેકચર થઈ ગયો હતો. બનાવના પગલે ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક રીક્ષા મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, એસટી.ની સલામત સવારીની ગંભીર બેદરકારીના પગલે એસટી. તંત્ર વિરુદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.