હાલ સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા રોડ પર આવેલ સહજાનંદ વિદ્યાલયના પરીક્ષા કેન્દ્રમાં પરિક્ષાર્થીઓને પ્રાથમિક સુવિધા નહીં મળતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
કોરોના કાળના 2 વર્ષના બાદ ગુજરાત બોર્ડની પ્રત્યક્ષ પરીક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યભરની સાથે ભાવનગર જીલ્લામાં પણ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ભાવનગર જીલ્લામાં 225 પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, તેવામાં ભાવનગરના તળાજા રોડ પર આવેલ સહજાનંદ વિદ્યાલય ખાતે પરીક્ષા આપવા આવતા પરિક્ષાર્થીઓને સારી સુવિધા નહીં અપાતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
જોકે, સહજાનંદ વિદ્યાલયના સંચાલકો દ્વારા પરિક્ષાર્થીઓને પતરાવાળી રૂમ ફાળવવામાં આવી હતી. જેનો વાલીઓ દ્વારા સખત વિરોધ કરતાં શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે બ્લોક બદલી દેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય પ્રાથમિક સુવિધાના અભાવે પણ અહી આવતા પરિક્ષાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જોકે, હવે રજૂઆત કર્યા બાદ પણ આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પરિક્ષાર્થીઓ સહિત વાલીઓ દ્વારા ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.