Connect Gujarat
ગુજરાત

ભાવનગર : નગરપાલિકાના સફાઈકર્મીઓએ પડતર પ્રશ્ને યોજી 25 કિમીની પદયાત્રા

સિહોર નગરપાલિકાની કચેરીમાં ખાનગી કોન્ટ્રાક્ટ પધ્ધતિ કાયમી ધોરણે બંધ કરવા સહિતના અનેક પ્રશ્નો અંગે રજૂઆત

ભાવનગર : નગરપાલિકાના સફાઈકર્મીઓએ પડતર પ્રશ્ને યોજી 25 કિમીની પદયાત્રા
X

વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને ભાવનગર ખાતે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ સિહોરથી ભાવનગર સુધી પદયાત્રા યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.

સિહોર નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓની વિવિધ માંગોને લઇને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બેનર હેઠળ સિહોરથી ભાવનગર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિહોર નગરપાલિકાની કચેરીમાં ખાનગી કોન્ટ્રાક્ટ પધ્ધતિ કાયમી ધોરણે બંધ કરવા સહિતના અનેક પ્રશ્નો અંગે જવાબદાર અધિકારીઓ-તંત્રને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્ન અંગે સિહોરથી ભાવનગર સુધી પદયાત્રા યોજી હતી.

સિહોરના આંબેડકર ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી પદયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. સિહોરથી ભાવનગર સુધી નિકળેલ આ 24 કીમીની પદયાત્રામાં મોટી સંખ્યામાં કામદારો જોડાયા હતા. પદયાત્રાને લઇને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તો સાથે જ સિહોરથી ભાવનગર સુધી નિકળેલ પદાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા ભાવનગર કલેકટર કચેરીએ આવી પહોંચતા કોંગ્રેસના આગેવાઓને સ્વાગત કરી સમર્થન આપ્યું હતું. પદયાત્રમાં જોડાયેલ આગેવાનો અને નગરપાલિકાના કર્મચારીઓએ વર્ષો જુના પડતર પ્રશ્નો અને નગરપાલિકામાં કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી કાયમી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી.

Next Story