Connect Gujarat
ગુજરાત

ભૂપેન્દ્ર પટેલે સરકારના પ્રથમ ૨૦૦ દિવસની જનસેવા પરિશ્રમ યાત્રા પૂર્ણ કરી,તેમના કાર્યકાળના કાર્યોની એક ઝલક

ભૂપેન્દ્ર પટેલે સરકારના પ્રથમ ૨૦૦ દિવસની જનસેવા પરિશ્રમ યાત્રા પૂર્ણ કરી,તેમના કાર્યકાળના કાર્યોની એક ઝલક
X

૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે પદભાર સંભાળ્યો તે ક્ષણે ગુજરાતના સાડા છ કરોડ નાગરિકોને અહેસાસ થયો કે, એક સરળ, સહજ અને સાલસ સ્વભાવના મૃદુ પણ મક્કમ જનનાયક ગુજરાતને મળ્યા છે. લોકોની વચ્ચે જઈને, લોકોના બનીને તેઓ લોકોના પ્રશ્નો મૃદુતાથી સાંભળે છે અને તેના ત્વરિત નિવારણ માટે મક્કમ નિર્ણયો લે છે. મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યાના ૨૦૦ દિવસમાં તેમણે સમાજના તમામ વર્ગના અને વય જુથના લોકો અને તમામ વ્યવસાયના લોકોના ઉત્કર્ષ માટે અનેક નવતર પહેલ કરી છે.

૨૦૦ દિવસના કાર્યકાળમાં શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની છબી એક મક્કમ પણ મૃદુ મુખ્યમંત્રી તરીકે ઉભરી આવી છે. સાડા છ કરોડ ગુજરાતીઓને વિકાસયાત્રામાં જોડીને એમણે જનહિતના કાર્યો માટે વ્યાપક જનશક્તિ ઉજાગર કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્ત્વના પ્રથમ ૨૦૦ દિવસના પરિશ્રમ ગાથા જોઇએ તો ૩૦૦થી વધુ સરકારી અને ખાનગી કાર્યક્રમો તથા બેઠકો, ૨૨,૦૦૦થી વધુ લોકો સાથે રૂબરૂ સંપર્ક, ૬૧,૦૦૦ કિલોમીટરનો વ્યાપક પ્રવાસ કરીને એમણે ગુજરાતના ખૂણેખૂણાના વિકાસ માટે નિષ્ઠાવાન પૂરૂષાર્થ આદર્યો છે.



સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રના અર્થતંત્રમાં અને વિકાસ પ્રક્રિયામાં કૃષિ ક્ષેત્રની ભૂમિકા મહત્વની છે. ખેડૂતોની જમીન વધુ ફળદ્રુપ બને અને રાસાયણિક ખાતરોથી જમીનને થતા નુકશાનને અટકાવવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપી ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડની રચના કરવાની મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગુજરાતના ડાંગ જિલ્લાને ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી ઉત્પાદન વધે અને કૃષિ ઇનપુટ ખર્ચ ઘટે, તે માટે નવતર અભિગમ અમલમાં મુકવા આવ્યો છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસનાં સમયે વીજળી આપવામાં આવે છે.

પેન્ડીંગ વીજ કનેક્શનો સત્વરે પૂરા પાડવાની દિશામાં મક્કમ નિર્ધાર સાથે રૂ. ૧૦૪૬ કરોડની માતબર રકમ ફાળવી આપવામાં આવી છે. રાજ્યનાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાનું ૬૦ થી ૮૦ વર્ષની વયના લોકોને અપાતું પ્રતિમાસ પેન્શન ૭૫૦ થી વધારીને ૧૦૦૦ અને ૮૦ વર્ષથી વધુના નિરાધારોનું પ્રતિમાસ પેન્શન ૧૦૦૦ થી વધારી ૧૨૫૦ કરવામાં આવ્યું છે. 'ભિક્ષા નહીં શિક્ષા' ના મંત્ર સાથે શહેરના સિગ્નલ પાસે ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચે શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે 'સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વન અધિકાર અધિનિયમ અન્વયે ૧૬,૫૭૨ આદિવાસીઓને જમીનના અધિકારો અપાયા છે. આદિજાતિ વિસ્તારોમાં બે વર્ષમાં ૫૦૦ નવા મોબાઇલ ટાવર્સ ઉભા કરી, ઈ-કોમર્સ તથા ઈન્ટરનેટ સંબંધિત કાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. વનબંધુઓના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ માટે પૂર્વ પટ્ટીમાં રૂ. 45 કરોડનાં ખર્ચે ૨૫ બિરસામુંડા જ્ઞાનશક્તિ રેસિડેંસિયલ સ્કુલ ઓફ એક્સલન્સ શરૂ થવા જઇ રહી છે. GNFCના નીમ પ્રોજેક્ટ અંતર્ગત લીંબોળી એકત્રીકરણ-ખરીદ વ્યવસ્થા-વિવિધ ચીજવસ્તુઓનું નિર્માણ કરીને સ્વ-સહાય જૂથો દ્વારા વેચાણ કરવામાં આવશે.

યુવાનોના કૌશલ્ય નિર્માણ થકી આત્મનિર્ભર દેશના નિર્માણની દિશામાં ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. નવી શિક્ષણ નીતિના દિશા-દર્શનના રોડમેપ અને Student Startup and Innovation Policy 2.0નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા તેમજ ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ મેળવતા યુવાનોને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો આપવાનો નિર્ણય લાભ કરાયો, વાર્ષિક ૪.૫૦ લાખ આવક ધરાવતા રાજ્યના અનેક પરિવારના યુવાનોને આ યોજનાનો લાભ મળશે.

ગુજરાત સરકારે રાજ્યમાં બાયોટેકનોલોજી ક્ષેત્રના વિકાસ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી રહેવા નવી બાયોટેકનોલોજી પોલિસી અમલી બનાવી છે.આઝાદીના 75 વર્ષ - અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાતના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ નિવાસી ધોરણે આપવા માટે ૫૦ જ્ઞાન શક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ સામાજિક ભાગીદારીના ધોરણે શરુ કરી એક લાખ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે. પાંચ લાખ યુવાનોના કૌશલ્ય નિર્માણ માટે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોરોનાના કપરા કાળને કારણે જે યુવાનોની ઉંમર વધી ગઇ હતી અને સ્પર્ધાત્મક પરિક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠરતા હતા તેમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો યુવાહિતલક્ષી નિર્ણય લઈને સેકડો યુવાનો માટે રોજગારી આપવાના દ્વાર ખોલ્યાં છે.

કોરોના મહામારીનો મક્કમતાથી સામનો કરવામાં ગુજરાતે દેશભરમાં અગ્રણી રહ્યું છે. ગંભીર રીતે બીમાર દર્દીઓને ઝડપથી સારવાર મળે તે માટે એર એમ્બ્યુલન્સ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે અમોઘ શસ્ત્ર સમાન કોરોના વેક્સિનના ૧૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની આગવી સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં (તારીખ ૨૪ માર્ચ, ૨૦૨૨ની સ્થિતિએ) ૪.૯૧ કરોડથી વધુ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા ૪.૭૫ કરોડથી વધુ લોકોને દ્વિતિય ડોઝ આપવામાં આવ્યો છે.

વૈશ્વિક સ્પર્ધામાં દેશને અગ્રિમ હરોળમા લઈ જવામાં ગુજરાતની ભૂમિકા મહત્વની છે. વિકાસની ગતિને જાળવી રાખવા માટે શિક્ષણ મહત્વનું પરીબળ છે. રાજ્યના બાળકને શૈક્ષણિક રીતે ઉત્તમ વાતાવરણ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર સજાગ પ્રયાસો કરી રહી છે. બાળકોમાં સંસ્કાર સિચનને પ્રાધાન્ય આપવા માટે શિક્ષણમાં ભાગવત ગીતાનો સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિના દિશાદર્શનના રોડમેપ અને Student Startup and Innovation Policy 2.0નું લોન્ચિંગ થયું.

જે અંતર્ગત સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર આ નીતિ અન્વયે આર્થિક સહાય આપે છે.ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઇ બંધ પરિક્ષેત્રને રૂ. 200 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવાશે. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલમાં સૌમ્ય, સરળ, સાલસ વ્યક્તિત્ત્વ પાછળ દ્રઢ નિર્ણાયકતા અને જનસેવાના મક્કમ મનોબળની સૌ કોઇ ગુજરાતી બાંધવને અનુભુતિ થઇ રહી છે.

Next Story