ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 45,000થી વધુ વોટ મેળવનાર અર્જુન રાઠવા કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપના પૂર્વ જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત ભાજપના અનેક આગેવાનો પણ કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. છેલ્લા કેટલાય સમયથી સક્રિય એવું વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટીના અધ્યક્ષ આદિત્ય રાવલ સમગ્ર હોદ્દેદાર સહિત વિધિવત્ રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં રાજ્યમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય, બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતા અર્જુન રાઠવા, આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ અને છોટાઉદેપુરના પ્રભારી મયંક શર્મા, કાંકરેજ વિધાનસભાના ચૌધરી સમાજના આગેવાન અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તથા પાટણ જિલ્લા પ્રભારી પ્રશાંત ચૌધરી, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ટ્રેડ વિંગ અને ઉપપ્રમુખ, સાબરકાંઠા જિલ્લો તથા ખેડબ્રહ્મા નગરપાલિકાના ઈન્ચાર્જ શિરીષ ત્રિવેદી, સાબરકાંઠા જિલ્લા મહામંત્રી હસમુખ કાપડિયા, વડોદરા જિલ્લા યૂથ પ્રમુખ વિશાલ પટેલ, પાટણ જિલ્લા મહામંત્રી દેવેનભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા એસ. સી. સેલના પ્રમુખ શામળ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાન, હોદ્દેદાર, કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા
ભાજપમાંથી પણ બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર સોલંકી હેમરાજજી મુળજી, ભાજપનાં આગેવાન ઉપલાણા અશોક, પરેશ ચૌધરી, લાલજી ચૌધરી, ધવલ ચૌધરી, વિજય રાજપૂત, પ્રતાપજી રાજપૂત, કોમલબેન ચાવડા સહિત ભાજપનાં આગેવાનો પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત્ રીતે જોડાયાં હતાં.