Connect Gujarat
ગુજરાત

ડાંગ : આત્મનિર્ભર નારીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો, સ્વસહાય જૂથોની મહિલાઓને સહાય અર્પણ કરાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ખુબ જ ચિંતિત અને પ્રયત્નશીલ છે

ડાંગ : આત્મનિર્ભર નારીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો, સ્વસહાય જૂથોની મહિલાઓને સહાય અર્પણ કરાય
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ખુબ જ ચિંતિત અને પ્રયત્નશીલ છે, ત્યારે ગ્રામીણ મહિલાઓએ પણ ઉત્સાહ સાથે આ તકને ઝડપીને રોજગારી ક્ષેત્રે પ્રવૃત્ત થઇ, પગભર થવુ જોઈએ, તેમ ડાંગના ધારાસભ્ય વિજય પટેલે આહવા ખાતે જણાવ્યુ હતું.

ડાંગ સહીત સમસ્ત રાજ્યની અને દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેમનુ અને તેમના પરિવારનુ સશક્તિકરણ કરવાની દિશામાં રાતદિવસ કાર્યરત રહેતા વડાપ્રધાનએ મિશન મંગલમ યોજના હેઠળના ગ્રામ્ય વિસ્તારોના વિવિધ સખી મંડળો સાથે સંવાદ સાધીને તેમને પ્રોત્સાહિત કરવા સાથે, સફળ અને પ્રવૃત્તિશીલ મહિલાઓમાંથી અન્ય મહિલાઓ પ્રેરણા મેળવે તે દિશામાં પ્રયાસ હાથ ધર્યા છે, તેમ જણાવી ધારાસભ્યએ ડાંગ જિલ્લાના ૧૫ સખી સંઘોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત પ્રત્યેકને રૂપિયા સાત લાખ જેવી માતબર રકમ મળી કુલ રૂપિયા ૧૦૫ લાખ, અને ૧૪૪ સખી મંડળોને રૂપિયા ૨૧.૩૦ લાખ રીવોલ્વીંગ ફંડ મળી કુલ રૂપિયા ૧૨૬.૩૦ લાખના ચેકોનું વિતરણ કર્યું હતું. દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિતે રાજય અને કેન્દ્ર સરકારે મહિલાઓને તેઓ સ્વાભિમાન સાથે તેમનું જીવન જીવી શકે તે માટે હાથ ધરેલા પ્રયાસોનો ખ્યાલ આપ્યો હતો. ગ્રામ્ય સખી મંડળોને પ્રવૃત્તિ સાથે આત્મનિર્ભર બનવાનો પણ તેમણે આ વેળા અનુરોધ કર્યો હતો.

આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમા આહવા તાલુકાના ૫૨ સખી મંડળોને રીવોલ્વીંગ ફંડ સાથે ૯ સખી સંઘોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, વઘઇ તાલુકાના ૬૩ સખી મંડળોને રીવોલ્વીંગ ફંડ, અને ૫ સખી સંઘોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, તથા સુબીર તાલુકાના ૨૯ સખી મંડળોને રીવોલ્વીંગ ફંડ સાથે ૧ સખી સંઘને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેકો મહાનુભવોના હસ્તે એનાયત કરાયા હતા. દીપ પ્રાગટ્ય સાથે શરુ થયેલા કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એન.ચૌધરીએ કાર્યક્રમ આયોજનનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. જયારે કાર્યક્રમના અંતે આભારવિધિ મદદનીશ પ્રાયોજના અધિકારી સતીશ પટેલે આટોપી હતી. કાર્યક્રમના ભાગરૂપે વર્ચ્યૂઅલ રીતે ઉપસ્થિત રહેલા વડાપ્રધાનશ્રીએ મહિલા સ્વ સહાય જૂથો સાથે સંવાદ સાધી, ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. આ વેળા ગ્રામીણ નારીઓએ તેમના પ્રતિભાવો પણ રજુ કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્મળા ગામીત, સહીત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન સારુ વળવી, શિક્ષણ સમિતિના અધ્યક્ષા નિલમ ચૌધરી, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ કમળા રાઉત, સખી મંડળો અને સખી સંઘોના પ્રતિનિધિઓ, આત્મનિર્ભર ગ્રામ્ય નારીઓ, મહિલા પદાધિકારીઓ, સહીત જિલ્લા કલેકટર ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ટીમે ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે શિક્ષિકા બીજુબાલા પટેલે સેવા આપી હતી.

Next Story